મોરબીના દરબારગઢમાંથી નીકળીને એક માફાળુ વેલડુ ખાખરાળાના સીમાડા તરફ વહ્યું આવે છે . વેલડામાં બેઠા છે મોરબીના રાણી સાહેબ , આગળ પાછળ બબ્બે ઘોડે સવારો છે . કમર પટ્ટામાં તલવારો જુલતી આવે છે . પાણીદાર અને જાતવાન ઘોડા અસ્વારોની રાંગમા રમતા આવે છે .
ભલસરા વરસની મોલાત રસ્તાના બેય કાંઠે લહેરાય છે . સવારનો ચડતો દિ છે અને વેલડુ એક બાજરાનાં ખેતર શેઢે આવેલ રસ્તે ચડ્યું . ખેતરમાં માથોડું માથોડું ઉભેલો લીલોછમ બાજરો પાકવા આવ્યો છે .પણ જોતાવેત મુઠ્ઠી ભરી મોઢાંમાં મુકવાની મરજી થાય આવો બાજરો જોયા પછી વેલડાનાં એક અસવારનો જીવ ઝાલ્યો રીયો નહીં એટલે ચડ્યે ઘોડે જ મંડ્યો ઘોડાને ચારવા .
અચાનક ઘોડેસ્વારના કાને અવાજ આવ્યો ! “એલા , એય ! ઘોડાને બહાર કાઢજે !!!
પણ બોલનારનો અવાજ સાંભળ્યો હોવા છતાં સાંભળ્યુ ન સાંભળ્યુ કરી ઘોડેસ્વાર ઘોડાને ચારતો રહ્યો .
“એલા ! સંભળાતુ નથી !!!” નજીક આવીને ખેડૂતે કહ્યું .
“સંભળાય છે ને પણ ઘોડાને ચારવો છે ! તુ જાણશ . આ કોનો ઘોડો છે ? આ ઘોડો છે મોરબી રાજનો સમજ્યો !!!” અસવારે સતાવાહી અવાજે અને અહંકારી તોરમાં કહ્યું .
“અરે ! ઇ જેનો હોય એનો ! તું તારા ઘોડાને ખેતરમાંથી બહાર કાઢને !!” ખેડૂતે ફરી કહ્યું .
“ન , કાઢુ તો તું શું કરી લે ? નથી કાઢતો જા ” અસવારે તોછડાઇ કરી .
“અરે ! નહિ કેમ કાઢ !” એમ કહી ખેડૂતે ખેતરમાં ચકલાં ઉડાડવા બાંધેલ મેડા ઉપરથી તલવાર લઇ હડી કાઢી અને કહેતો આવે છે ,લોહીના એક એક ટીપે બાજરો પાક્યો છે . મફત નથી થ્યો ! એક તો પારકા ખેતરમાં ઘોડા ચારવા ને ઉપરથી ડરામણી દેખાડશ ! ઉભો રે’જે ….હાથમાં ઉઘાડી તલવારે આવતો ખેડૂત વધુ કાળઝાળ થયો . અને હડી કાઢી અસવાર ઉપર તરવારનો ઘા કર્યો .
આગળના અસવારો અવાજ સાંભળી પાછા વળ્યા .જોયુ તો પોતાનો સાથીદાર તરફડે છે અને બાજુમા હાથમા લોહી તરબોળ તલવાર લઇને ખેડૂત ઉભો છે . અસવારો નજીક આવતા ઝનુને ચડેલ આદમીએ પડકારો કર્યો :
“છેટા રહેજો હોં ! પાસે આવ્યા છો તો આની હારે તમનેય મોકલી દઇશ .”
હાથમાં ઉઘાડી લોહી તરબોળ તલવાર અને ખેડૂતનું રૌદ્ર રૂપ જોઇ અસવારો થોડીવાર ખચકાણાં પણ પળવારમાં વિચાર કર્યો કે આ એક આદમી અને આપણેં ત્રણ !!! ઇ એકલો શું કરશે ?
એક અસવારે ખેડૂત ઉપર વાર કર્યો . છંછેડેલ સાવઝ ડણક દીયે એમ વિફરેલો ખેડૂત ત્રણ ત્રણ જણાંનાં ઘા ચુકવતો જાય છે અને ઘા કરતો જાય છે .શુરવીર ખેડૂતે થોડીવારમાં તો ખાદણ મચાવી દીધુ . અને એક પાછળ બીજાનેય મોકલી દીધો . બાકી બે અસવાર ઘાયલ થતા ભાગ્યા .
“અરે ! ભડના દિકરાવ ભાગો છો શું ? ઉભા રીયો ! મોરબી જઇને કહેશો શું ? ….”
“મોરબીનાં ધણીને કહેજો આ બેયને મે માર્યા છે ને મારું નામ નાગાજણ ડાંગર હુ ખાખરાળાનો બોરીચો છું .કહેજો તમારા ઠાકોર ને !…”
પોતાના સાથીદારની લાશ લીધા વિના બેય અસવારો મોરબી પહોંચ્યા અને જઇને ઠાકોર ને જાણ કરી .
“કોણ છે ઇ બે માથાનો માનવી કે મારા સિપાઇ ઉપર ઘા કરે ?” મોરબી ઠાકોરના સતાવાહી અવાજે મહેલ ગાજ્યો .
“બાપુ ઇ છે . ખાખરાળાનો બોરીચો નાગાજણ ડાંગર .” ઘાયલ અસવારે ધીમા અવાજે કહ્યુ .
“જીવતો કે મરેલો , નાગાજણ મારે જોઇએ ! ” ઠાકોરનો હુકમ છુટ્યો .
અહીં નાગાજણ વિચાર કરે છે કે હવે શું કરવું . આ અસવારો જઇને મોરબી જાણ કરશે . મને ઠાકોરનાં માણસો બંદીવાન બનાવી ,બેડી પહેરાવી , મોરબી લઇ જશે . મોરબીનાં સિપાઇની આડોડાઇ હતી .
વાંક એનો હોવા છતાં અને હું સાચો હોવા છતાં રાજ ના માણસને મારવા બદલ ફાંસીએ ચડાવશે !!!
ફાંસીએ ચડી મરી જવાની બીક નથી . પણ સાચા માણસને ખોટી સજા !
શું આવો અન્યાય સહન કરી લેવો ?
તો શું કરવું ?
ગામમાં જાઉં ?
ઘેર જઇ વાત કરું ,ના ના એમ કરતાતો પકડાઇ જવાય !
તો શું ?
હા બહારવટે ચડું !!!
અન્યાય સામે મરદ માણસો બહારવટાં જ કરતા આવ્યા છે ને ? તો એમ જ કરું …બસ એ જ બરાબર … મજબુત મનના બોરીચે નિર્ણય કર્યો .
ઘેર આવી ,પાસાબંધી કેડીયું પહેરી ,ભેઠ વાળી , ભેઠમાં જમૈયો ધરબી , માથાં ઉપર કાંસાની તાંસળી મુકી માથે પાઘડી બાંધી , તલવાર મ્યાંન કરી , હાથમા ભાલુ લઇ નાગાજણ બહારવટે ચડી ગયો .
ઝાલર ટાણું છે ,ખાખરાળાના ઠાકર મંદિરમાં આરતી થાય છે .ગામના બેક જુવાન મંદિરે ઉભા ઉભા ઝાલર વગાડે છે .એક જુવાન નગારું વગાડે છે .ગલઢેરાઓ કાળીયા ઠાકરને યાદ કરી ભાવપુર્વક વંદન કરે છે .
એવે ટાણેં એક ઘોડેસવારે આવી કહ્યુ કે “પોલીસ પટેલને બોલાવો ”
પોલીસ પટેલ આવ્યા .
અસવારોના મોવડીએ પુછ્યુ ,
“આ નાગાજણ ડાંગર કોણ છે ?”
“અમારા ગામનો બોરીચો છે સાહેબ ” પટેલે કહ્યુ .
“બોલાવો એને !” પણ નાગાજણના કાંઈ સગડ મળ્યા નહિ . અમલદારે પટેલને સઘળી વાતથી વાકેફ કર્યા .
થોડાક દિવસોમાં તો નાગાજણ ડાંગરે મોરબી રાજની નિંદર હરામ કરી દીધી છે . નાગાજણની ધાકે વસ્તીમાં સાંજ વહેલી પડે છે . પણ બીકમાં રાત ખુટતી નથી . સદાય સુખની નીંદરે સુતી મોરબીની પ્રજાને અજંપાનો ઉજાગરો કરાવતો નાગાજણ મોરબીની ધરને ધમરોળે છે .
ગામડાં ખુંદતી અને વગડા વિંધતી મોરબીની ફોજ સાંજ પડ્યે નિરાશ થઇ , કયાંક વિસામો લેવા બેસે ત્યાં સમાચાર મળે છે કે નાગાજણ બાજુની જ સીમમાં છે . અને અધ્ધરશ્વાસે ફોજ નાગાજણનાં સગડ દબાવે છે પણ નર પટાધર નાગાજણ હાથ આવતો નથી .
મોરબી નાગાજણે ચાકડે ચડાવી છે .
રૈયત બનીને રાંક ફફડાટ હૈયે લઇ ફરતી
બધેય બજારો બંધ ડેલીયું ય ઉઘડે ડરથી !
ડાંગર જ્યાં ડણકે ત્યાં ધ્રુજે મચ્છુ ધરતી
કમોતે મરે કોણ ? વસ્તી સમય ગઇ વરતી !
નાગાજણના નામની હેબત સૌ હૈયે પડી
બળવાન બોરીચા થકી ચક્રાવે મોરબી ચડી !
ખડીયામાં ખાંપણ અને મોઢામાં તુલસીનું પાન મુકીને એકલવીર નાગાજણ ડાંગરના બહારવટાને છ-છ માસ વીતી ગયા છે .
વિચાર વંટોળમાં અટવતા નાગાજણની નજરે પ્રાણ પ્યારી માત્રુભુમી ખાખરાળા અને પોતાનુ ઘરનું આંગણું દરશાણુ .
પળનોય વિચાર કર્યા વિના ઘોડી પલાણી મંડ્યો ખાખરાળાનો પંથ કાપવા ,હવે તો ચંદ્રમાંના અંજવાળે ખાખરાળાની સીમ વરતાણી …. હરખભેર અષાઢી વાદળો જેમ અચાનક ધરતી ઉપર ઉમટી આવે એવા હેત ભર્યા ઉમળકે ઘોડીને એડે મારી …ઘોડીએ પણ અસવારના મનને ઓળખી વેગ વધાર્યો .
પુરપાટ વહ્યે આવતા નાગાજણની ચકોર નજરમાં દશ-પંદર આદમી કપાસના ખેતરમાં દેખાણા અને નાગાજણને સમજતા વાર ન લાગી કે ….નક્કી માળીયાના મીંયાણા મારા ગામની સીમમાં કપાસની ચોરી કરવા જ આવ્યા હોય .
મારા જીવતા અને મારી નજર સામે ચોરી થાય ?
તો તો બોરીચાની નામોશી થાય , લોકોમાં હાંસી થાય .
ચમચમ રૂવાંળા બેઠા થવા માંડ્યા , ક્રોધમાં શરીર મંડ્યુ ધ્રુજવા .
પડકારીને એક એક ને મારી નાખું એવો વિચાર આવ્યો !
અને વળી બીજો વિચાર આવ્યો કે ઝાઝા જણ છે અને ન કરે નારાયણને મારૂં મોત થાય !
મોતની બીક નથી પણ મોરબીના ધણી સુધી મારી સાચી વાત પહોંચાડવાની ઇચ્છા અધુરી રહી જાય અને બોરીચા બહાદુર નહિ પણ રાજના ચોર છે એવુ સાબીત થાય ….હું ખોટો નથી મેં જે કાંઇ કર્યુ તે મારા સ્વમાન ખાતર કર્યુ છે … એવુ સાબીત કરવા મારે જીવવું જ જોઇએ.
નાગાજણ ઘોડેથી નીચે ઉતરી લપાતો છુપાતો , ચોર પગલે કપાસ વીણતા મીયાણાંનાં ગાડા પાસે પહોંચી ગયો , જે ચોર કપાસને ભારી ઠલવવા આવે એનું માથું નાગાજણ સીફતથી ઉડાવી અને બીજા ચોરની રાહ જુએ ..!
આમ એક પછી એક ચોર આવતા ગયા અને નાગાજણ તેમને યમલોક પહોંચાડતો ગયો .
સોળ સોળ લાશોના ઢગલા કરી નાગાજણે વિજયનાદ કર્યો …
કપાસનું ગાડુ ખાલી કરી બધી લાશો નાખી ખાખરાળાને પાદર આવી ગામને જાણ કરી કે …
મોરબી ઠાકોરને કહેજો કે નાગાજણ મોરબીનો ચોર નથી એનું બહારવટું ધન પડાવી લેવાનુ કે નીર્દોષને રંજાડવાનું નથી .મારૂ બહારનું તો મારા સ્વમાન માટેનું છે . એની ખાત્રી માટે આ સીમ ચોરી કરનારની લાશો સોપતો જાઉ છું .
સૌ ગામ લોકોએ ઠાકોરને બધી વાત કરી , સાચી વાતની જાણ થતા જ જાડેજા રાજવી પંચાણજીનાં ચહેરા ઉપર ચમક આવી , તમામ રોષ સમી ગયો અને એક ખાનદાન શુરવીર માણસને અન્યાય કર્યાનો પસ્તાવો કરતા મોરબી ઠાકોરે હુકમ કર્યો કે
આવા શુરવિર ,સત્યવાદી અને ખાનદાન માણસ તો મોરબીની શોભા છે , જાઓ જાણ કરો કે ઠાકોર તમારો બહારવટું પાર પાડે છે .
મોરબી ઠાકોરે નાગાજણની માફી માગી સન્માનીત કર્યા .