ટંકારા શહેરમાં પશુપાલન ક્ષેત્રે એક અસામાન્ય ઘટના સામે આવી છે. ટંકારાના પશુપાલન પ્રેમી હમિરભાઈ ટોળીયાની ‘કવલી’ ગાયે એકસાથે બે તંદુરસ્ત વાછરડીઓને જન્મ આપ્યો છે. સામાન્ય રીતે ગાયમાં એક જ બચ્ચાનો જન્મ થતો હોય છે, ત્યારે જોડિયા વાછરડીઓના આગમનથી ટોળીયા પરિવારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
પશુપાલક હમિરભાઈના જણાવ્યા અનુસાર, ગાય અને બંને વાછરડીઓ હાલ સંપૂર્ણપણે ‘રૂષ્ટ-પુષ્ટ’ અને તંદુરસ્ત છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના લોકો પણ આ ‘કુદરતી કરિશ્મા’ને જોવા ઉમટી પડ્યા હતા. માલધારી પરંપરામાં ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, ત્યારે એકસાથે બે ‘લક્ષ્મી’ના આગમનને પરિવારે વધાવી લીધું છે.
સામાન્ય રીતે ગાયોમાં ‘યુનિટોકસ’ (Unitocous) પ્રકૃતિ હોય છે, એટલે કે તેઓ એક સમયે એક જ ગર્ભ ધારણ કરે છે. જોડિયા બચ્ચા જન્મવાની શક્યતા માત્ર ૧ થી ૩ ટકા જેટલી જ હોય છે. જ્યારે ગાયના ઓવરી (અંડાશય) માંથી એકને બદલે બે ઈંડા (Ova) એકસાથે મુક્ત થાય અને બંને અલગ-અલગ શુક્રાણુઓ દ્વારા ફલિત થાય, ત્યારે જોડિયા બચ્ચા જન્મે છે. જોકે આ માટે પશુને આપવામાં આવતો સમતોલ અને પૌષ્ટિક આહાર, ખનિજ તત્વો (Minerals) અને પશુની આનુવંશિકતા (Genetics) આમાં મહત્વનો ભાગ ભજવે છે. હમિરભાઈ દ્વારા પશુની યોગ્ય માવજત અને ઉત્તમ પોષણને કારણે આ શક્ય બન્યું હોવાનું મનાય છે. પશુના શરીરમાં થતા હોર્મોનલ ફેરફારોને કારણે પણ ક્યારેક એકથી વધુ અંડકોષો ફલિત થતા હોય છે. જો ગાયને એક વાછરડો અને એક વાછરડી (નર અને માદા) જોડિયા જન્મે, તો તેને વિજ્ઞાનની ભાષામાં ‘ફ્રીમાર્ટિન’ (Freemartin) કહેવાય છે, જેમાં માદા વાછરડી મોટાભાગે વાંઝણી રહેતી હોય છે. પરંતુ અહીં ટંકારામાં બંને વાછરડીઓ જન્મી હોવાથી તે પશુપાલન માટે ખૂબ જ ફાયદાકારક અને શુકનવંતું માનવામાં આવે છે.









