હળવદના કોયબા – ઢવાણાનાં પાટિયા પાસે ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અહીં યુટીલીટી જીપ ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જયારે અન્ય એક લોકો સામાન્ય ઈજાગ્રસ્ત થયો હતો.
મળતી માહિતી અનુસાર, હળવદના કોયબા – ઢવાણાનાં પાટિયા પાસે, ધ્રાંગધ્રા તરફથી શાકભાજી ભરીને આવતી યુટીલીટી જીપ ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી.જેના કારણે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે મધ્યપ્રદેશના રહેવાસી રતનભાઈ મોહનભાઇ પરમાર નામનો યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જેને 108 એમ્બ્યુલન્સ મારફત હળવદ સરકારી દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવકની સારવાર કારગત નીવડે તે પહેલા જ તેણે દમ તોડયો હતો. જયારે ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ હતી. ત્યારે બનાવની જાણ થતા જ હળવદ પોલીસ સ્ટેશનના પી.સી.આર. હિતેશભાઈ તથા તેમની ટીમ તેમજ L & T સ્ટાફ હિતેશ ભાઈ ગઢવી તથા ઉસ્માનગની ચૌહાણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ટ્રાફિક મેનેજમન્ટની કામગીરી કરી આગળની વધુ કાર્યવાહી કરી હતી. તેમજ સમગ્ર મામલે હળવદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.