રાજકોટની એચ.જે.દોશી હોસ્પિટલમાં દાખલ થયેલ ૨૬ વર્ષીય યુવાન દર્દી ગત મહિનાની ૩૦ તારીખે સ્વીમીંગ પુલમાં નાહવા પડતા ડૂબી ગયેલ અને ગરદનના મણકામાં ઈજા થયેલ તેમજ મોઢામાં ભરેલ સોપારીના ટુકડા શ્વાસનળીમાં ફસાઈ જતા ગંભીર હાલતમાં બેભાન અવસ્થામાં રાજકોટ ખાતે દોશી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં દર્દીને ડો. બ્રિજેશ આર. કોયાણી (ફેફસાંના રોગોના નિષ્ણાંત) અને ડો.અવની મેંદપરા કોયાણી (ફિઝીશ્યન & ક્રિટીકલ કેર સ્પેશ્યિલીસ્ટ) ની દેખરેખ હેઠળ આઇ.સી.યુ.માં દાખલ કરી તાત્કાલિક વેન્ટિલેટર અને અન્ય જરૂરી સારવાર શરૂ કરવામાં આવી.
ડો.બ્રિજેશ કોયાણી એ દૂરબીન (Video Bronchoscopy) વડે ફેફસાંમાથી સોપારીનાં ટુકડાઓ દૂર કર્યા હતાં. ત્યાર પછી દર્દીની શ્વાસોચ્છવાસની સ્થિતિમાં ઉતરોતર નોંધપાત્ર સુધારો થતા ડો.કુણાલ ધોળકીયા (ન્યુરો & સ્પાઈન સર્જન) અને ડો.કાર્તિક મોઢા (ન્યુરો & સ્પાઈન સર્જન) દ્વારા મણકાનું જટીલ ઓપરેશન સફળતાં પૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશન બાદ ડો.હર્ષલ પુરોહીત (ફિઝીયોથેરાપીસ્ટ) દ્વારા ચેસ્ટ અને લીંબ ફિઝીયોથેરાપી કરી કુશળ સારવાર કરવામાં આવી હતી.
આજરોજ એક મહિનાની સઘન સારવાર બાદ જ્યારે દર્દીને મૃત્યુના મુખમાંથી બચાવી નવજીવન પ્રદાન થયેલ હોય, ત્યારે દર્દી અને પરિવારજનો દોશી હોસ્પિટલની નિષ્ણાત ડોકટર ટીમ તેમજ તમામ હોસ્પિટલ સ્ટાફનો હ્રદયથી આભાર વ્યક્ત કરે છે તેમજ સમાજના યુવાનોને વ્યસન મુક્ત થવાની પહેલ કરે છે.