રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગઇકાલે મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ સાથે એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલ આ ઇસમ મોરબીનો હોવાનું અને અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ એસઓજીની ટીમ નશાનો વેપલો કરી યુવાનો ના ભવિષ્ય અંધકારમાં ધકેલતા વેપ તત્વોને ડામવા માટે પ્રયત્નશીલ છે તે દરમિયાન રાજકોટ એસઓજી ને બાતમી મળી હતી કે શહેરના જામનગર રોડ ઉપર આવેલા એસઆરપી કેમ્પ નજીક રાજરત્ન રેસિડેન્સી ખાતે એક મકાનમાં એક ઇસમ પાસે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો છે જેના આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે વિવેક અતુલભાઇ નાગર નામના મોરબીના શખ્સ પાસેથી 14.39 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જેની કી.રૂ.1,43,000 સાથે પકડી પાડ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલો વિવેક અતુલભાઇ નાગર નામના શખ્સ પર અગાઉ પણ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં, તેમજ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં અને યુનિવર્સિટી પોલીસ મથકમાં એમ ત્રણ જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.જેથી હાલ આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે .જેના આધારે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.