Saturday, January 4, 2025
HomeGujarat"જાહેર સેવા નાગરિકનો અધિકાર અધિનિયમ ૨૦૧૩ "આ અધિનિયમમાં શું છે જોગવાઈ ?વાંચો...

“જાહેર સેવા નાગરિકનો અધિકાર અધિનિયમ ૨૦૧૩ “આ અધિનિયમમાં શું છે જોગવાઈ ?વાંચો વિશેષ અહેવાલ

ટંકારામાં બનેલ વચેટીયાના વહીવટનો મુદો મોરબી જીલ્લામાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે ત્યારે જાહેર સેવા નાગરિકનો અધિકાર અધિનિયમ 2013 નો મોરબી જીલ્લાની મોટાભાગની સરકારી કચેરીમાં ઉલાળીયો થતો હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.જોકે પ્રજાને પણ આ કાયદાની કોઈ માહીતી નથી જેનો પૂરેપૂરો ગેરફાયદો અમુક સરકારી બાબુઓ ઉઠાવી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

સરકારી કચેરીમાં કાગળના કામોને લઈને કેવી કનડગત કરાતી હોય છે અને એના માટે કાવડીયા પણ કટકટાવતા હોય છે એ જગ જાહેર છે. અને તાજેતરમાં ટંકારામાં થયેલ લાખોના વહીવટનો વિડીયો ઓડીયો વાયરલ આનું જીવતું જાગતું ઉદાહરણ છે. આવી અનેકોનેક ફરીયાદો વચ્ચે મોરબી જિલ્લાની મોટા ભાગની સરકારી કચેરીમાં જાહેર સેવા નાગરિકનો અધિકાર અધિનિયમ 2013 હેઠળ કામગીરી ન થતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેના કારણે આજે પણ પ્રજા ત્રસ્ત, અમુક સરકારી બાબુઓ મસ્ત અને વચેટીયા જબરદસ્ત બન્યા છે.

સામાન્ય નાગરિકનુ એક દિવસનુ કામ એક મહિને કે એક વર્ષે પણ નિકાલ થતો ન હોવાના કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવતા હોય છે, તો ઘણી ‌વખત અરજદારોની ફાઇલો ટલ્લે ચડાવી કે વારંવાર એક કાગળ ખુટે છે ની ટપાલો મળતી હોવાનું જાણવા મળ્યું છે જેને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા ચીજવસ્તુઓ અને સેવાઓ સમયસર (સચોટ) પ્રાપ્ત થાય અને નાગરિકો હક્કથી સેવા મેળવી શકે તેવા હેતુથી ગુજરાત (જાહેર સેવા અંગેનો નાગરિકોનો અધિકાર)અધિનિયમ-2013 બનાવવામાં આવ્યો છે . આ કાયદો આરટીઆઇ અધિનિયમથી પણ શક્તિશાળી છે. કાયદાની જોગવાઇ મુજબ જે અધિકારી નાગરિકોને નિશ્ચિત સમયમર્યાદામાં સેવા પૂરી પાડવામાં નિષ્ફળ જશે તેને રૂ.1 હજાર થી 10 હજારના દંડ ભરવો પડશે અને દંડની રકમ જવાબદાર અધિકારીના પગારમાંથી કાપવાની જોગવાઇ કરવામાં આવી છે. એટલું જ નહી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી કે અધિકારીની ફરીયાદ સ્થળ પર મુકરર કરેલ અધિકારીને કરી શકાશે. અને દરેક કચેરીમાં ઉપલબ્ધ સેવાની વિગત એના માટે લાગતો સમય મર્યાદા, નિયત નમુના અને એની સાથે ના બિડાણ પ્રુફ, કચેરીના વડાનો હોદાનામ નંબર સરનામું સહિતની વિગતો નાગરિકોને દેખાય એમ બોડ લગાવવાનું હોય છે. વાત આટલેથી અટકતી નથી પણ જ્યારે અરજદાર કોઈ સેવા માટે અરજી કરે છે તો તેને રિટર્ન પહોચ આપવાની અને જો અરજદાર તરફથી કોઈ કાગળ ખુટતા હોય તો તેને રજૂ કરવા માટે સમય આપવામા આવે છે.

આવા રાઈટ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસ એક્ટની મોરબી જિલ્લાની અનેક કચેરીમાં આજ દિન સુધી અમલવારી કરાવવામાં આવતી નથી અને રીતસરની હેરાનગતિ આજે પણ નાગરિક ભોગવી રહ્યા છે. એટલુ જ નહી પરંતુ મોટા ભાગના નાગરિકોને આ કાયદાના કલમની પણ ખબરશુધ્ધા નથી! અરે ભાઈ ચુંટાયેલા પ્રતિનિધિ જે પોતાને પ્રજાના સેવક ગણાવે છે એને પણ આ અધિનિયમ અંગે આગાહ નથી માટે આજે પણ આ કાયદાનો ઉપયોગ મોટા ભાગના સામાન્ય નાગરિકોને લાભ મળતો નથી. ત્યારે જીલ્લામાં ટોપ ઓફ ધ ટાઉન બનેલા વચેટીયાનો મુદો ભારે ચકચાર જગાવી રહો છે એ વચ્ચે આ કાયદાની કડક અમલવારી કરાવવામાં આવે તો મહદ અંશે નાગરીકને સેવા સડસડાટ મળી રહશે અને ભસ્ટાચાર અને અનિતી ઉપર અંકુશ આવશે. આપણે તો આશા રાખીએ કે ઉચ્ચ અધિકારી આની અમલવારી કરશે અને પ્રજાના પ્રતિનિધિઓ કરાવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!