હળવદ પંથકમાં ઓણ સાલ ત્રાટકેલા ભારે વરસાદને લીધે ખેતી પાક અને ગ્રામ્ય રસ્તાઓને મોટા પાયે નુકસાન થાવ પામ્યું છે. ત્યારે લાંબો સમય વીતવા છતાં ખખડધજ રસ્તાઓની મરામત કામગીરી હાથ ન ધરાતા લોકોમાં રોષ ફેલાયો છે. અને રસ્તાઓને નવું રૂપ આપવા લોકોમાં માંગ ઉઠી છે.
હળવદ તાલુકાના મોટા ભાગના ગામોમાં ગ્રામીણ રસ્તાઓ જે ગામથી સીમને જોડતા હોય એવા લગભગ તમામ ગામોમાં ૩-૪ રસ્તાઓ આવેલા હોય છે આ રસ્તાઓ ભારે વરસાદના કારણે ધોવાઇ ગયા છે. રસ્તાઓમાં એક, દોઢ ફૂટ ઉંડા અને પાંચ – છ ફૂટ લંબાઈના ખાડા પડ્યા છે. આથી ખેડૂતોને તૈયાર માલ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવામાં મોઢે ફિણ આવી જાય તેવી સ્થિતિ જન્મી છે. વરસાદ બંધ થયાને પણ ખુબ સમય થઇ ગયો છતાં આવા રસ્તા રીપેર થયા નથી ત્યારે અમુક ગામોના ખેડૂતો તો અપના હાથ જગન્નાથની માફક સ્વખર્ચે રોડ રસ્તાઓ બનાવી રહ્યા છે.
બીજી તરફ ઘણા ખેડૂતોને ખબર પણ નથી હોતી કે સરકારમાંથી આ રોડ રીપેર થઇ શકે. અને તંત્ર કહે છે કે અમને ગ્રામ પંચાયત દરખાસ્ત મોકલે તો અમો નરેગા મારફત મંજુર કરી આપીએ.
જો જીલ્લા તંત્ર આવા રસ્તાઓ રીપેર કરવા માટે ગ્રામ પંચાયતોને સુચના આપીને ઝુંબેશ સ્વરૂપે આ કામગીરી ઉપાડે તો અનેક ખેડૂતોના હૈયે સ્મિત આવી શકે તેમ છે. જેથી રસ્તાની તાત્કાલિક રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.