શ્રી રાજપુત કરણી સેનાએ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને પત્ર લખી દરબાર નાકે દરબાર ગઢ પાસે આવેલ પબ્લિક યુરીનલ ને દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. હળવદ શહેરમાં આવેલ દરબાર ગઢ સ્થિત રાજ મહેલ ની પ્રવેશ કરવાના રસ્તે જાહેર યુરીનલ આવેલ છે જે અત્યંત દુર્ગંધ મારે છે અને ત્યાં માખી,મચ્છરોનો ઉપદ્રવ હોવાથી રોગચાળો ફેલાવવાનો ભય રહે છે તેવી રજૂઆત પણ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કરવામાં આવી છે.
વધુમાં રાજમહેલ ખાતે ક્ષત્રિય સમાજ નાં દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. તેમજ ઝાલા કુળના જન્મદાત્રી શ્રી શક્તિ માતાજીના મંદિરે જવાનો રસ્તો પણ રાજ મહેલમાંથી જાય છે. તેમજ હળવદ અને ધાંગ્રાધા ક્ષત્રિય દીકરીઓના લગ્ન પ્રસંગે ભાયાતી ગામોમાંથી કર કરવા રાજ મહેલ ખાતે આવવાનું થતું હોવાથી ક્ષત્રિય સમાજની લાગણી સાથે સંકળાયેલ હોવાથી તેમજ ધાંગધ્રા રાજમાંથી પહેલા પણ યુરીનલ હટાવવા માટે અરજી કરવામાં આવી હોય જેને લઇને કોઇ કાર્યવાહી નહી થતાં જાહેર યુરીનલ ૧૦ દિવસમાં હટાવવા તીવ્ર માંગ કરાઈ છે. અને જો યુરીનલ હટાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમકી પણ શ્રી રાજપૂત કરણી સેનાએ ઉચ્ચારી છે.