ટંકારા તાલુકાના મોટા ખિજડીયા ગામમાં તસ્કરોએ ફરી એકવાર ખડભડ મચાવી છે. કિમતિ ઘરેણા ડમરૂ, તબલા અને પૈસા પેટી જેવી ચીજોને તો તસ્કરો લૂંટે છે એ વાત સમજાય, પરંતુ હવે તો મંદિર માં બિરાજમાન હનુમાનજી મહારાજની મૂર્તિ પણ ઉપાડી લઈ જવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે.
મોટા ખિજડીયાના ભાગોળે રોડ ઉપર આવેલ સતીમાના મંદિર પાસે ઝાલા પરિવારની કુળદેવી શક્તિ માતાના મંદિરે સ્થાપિત શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ તેમજ કિમતી સાજો સામાન મળી કુલ અંદાજે રૂ. ત્રણ લાખ જેટલી કિંમતનો સામાન તસ્કરો ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે.
આ બાબતે મોટા ખિજડીયાના સરપંચ તથા ભાજપના અગ્રણી જુવાનસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં ચોરીનો આ બીજો બનાવ છે. ગત 22 તારીખે પણ ગામના બે મકાન અને આજ મંદિરને નિશાન બનાવવામાં આવ્યા હતા, જે અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. જોકે આજદિન સુધી એફ.આઈ.આર. નોંધાઈ નથી, અને આજે ફરી એજ ગામમાં તસ્કરોએ તરખાટ મચાવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.
મંદિરમાંથી ભગવાન હનુમાનજીની મૂર્તિની ચોરી માત્ર આર્થિક નુકસાન નહીં પરંતુ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડતી ઘટના હોવાને કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, પોલીસ તંત્ર દ્વારા સમયસર કડક પગલાં લેવાયા હોત તો કદાચ આજે આ બનાવ ન બન્યો હોત.
અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા પંથકમાં બહારથી આવતા કેટલાક મજૂરો દ્વારા વિવિધ પ્રકારના ગુનાઓ આચરાતા હોવા છતાં પોલીસ મથક માત્ર સમાધાન કેન્દ્ર અને “એટીએમ મશીન” બનીને રહી ગયું હોય તેવી ચર્ચા પ્રબુદ્ધ નાગરિકોમાં ચાલી રહી છે. લોકોમાં એવી લાગણી વ્યાપી છે કે, ગુનાઓ રોકવાને બદલે માત્ર ઔપચારિક કાર્યવાહી કરીને જવાબદારીમાંથી બચવાનો પ્રયત્ન થાય છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સ્થાનિક નાગરિકો તથા આગેવાનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે, ટંકારા પોલીસ કોઈની સાડાબારી રાખ્યા વગર કડક કાર્યવાહી કરે, નિયમો અને જાહેરનામાના ભંગ બદલ દોષિત મજૂરો તેમજ તેમને રાખનારા માલિકો સામે કાયદેસર પગલાં ભરે, અને સતત વધી રહેલા ચોરીના બનાવો પર અંકુશ મૂકે.જો તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો ટંકારા પંથકમાં ગુનાખોરી વધુ વકરે તેવી ભીતિ સેવાઈ રહી છે.









