ટંકારા ખાતે ‘સુરક્ષા સેતુ સોસાયટી’ અને SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ) પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ખાસ શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એમ.ડી. વિદ્યાલયના ધોરણ 11ના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસની કામગીરીને નજીકથી જાણી હતી.
મળતી માહિતી મુજબ, ટંકારા પોલીસ સ્ટેશન ખાતે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો જેવી કે રાઇટર રૂમ, કોમ્પ્યુટર સેક્શન તેમજ લોકઅપની મુલાકાત કરાવવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા, તપાસની પદ્ધતિ અને ગુનેગારો સામે લેવાતી કાર્યવાહી વિશે વિગતવાર સમજણ આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા વપરાતા આધુનિક શસ્ત્રો વિશે ટેકનિકલ માહિતી આપવામાં આવી હતી. ‘સુરક્ષા સેતુ’ અંતર્ગત વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો, હેલ્મેટ અને લાયસન્સનું મહત્વ તેમજ માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે વ્યસનમુક્તિ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના મનમાંથી પોલીસ પ્રત્યેનો ભય દૂર કરી પોલીસ અને પ્રજા વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો મજબૂત બનાવવાનો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, SPC પ્રોજેક્ટ દ્વારા બાળકોમાં કાયદા પ્રત્યે જાગૃતિ વધે છે અને તેઓ જવાબદાર નાગરિક બનવા પ્રેરાય છે. આ મુલાકાત બાદ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પોલીસની કામગીરીને નજીકથી જાણી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.









