ટંકારા: ભારતના નવજાગરણના પ્રણેતા અને આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા ખાતે આર્ય સમાજ સ્થાપના નો શતાબ્દી મહોત્સવ ની ઉજવણી આગામી 12/13 ફેબ્રુઆરીએ થવાની છે ત્યારે સ્વામીજીના પૂર્વજોનો રોચક ઈતિહાસ સામે આવ્યો છે. ટંકારા ખાતે 100 વર્ષ પહેલાં યોજાયેલા આ મહોત્સવે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વૈદિક વિચારધારાનો ગુંજારવ કર્યો હતો.
ઇતિહાસકાર બાબુ દેવેન્દ્રનાથ મુખોપાધ્યાયના સંશોધન મુજબ, સ્વામીજીના પૂર્વજો મૂળ ઉત્તર ભારતના હતા. અણહિલવાડના રાજા મૂળરાજ સોલંકી ઉત્તર ભારતના કુરુક્ષેત્ર અને કાશી જેવા તીર્થધામોથી 1000 જેટલા વિદ્વાન બ્રાહ્મણોને સિદ્ધપુર લાવ્યા હતા. ઉત્તર (ઉદીચ્ય) થી આવેલા હોવાથી તેઓ ‘ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ’ તરીકે ઓળખાયા.
કાળક્રમે, આ બ્રાહ્મણોનો એક સમૂહ કચ્છના રાજાના નિમંત્રણથી ત્યાં સ્થાયી થયો. 16મી સદીમાં જામનગરની સ્થાપના સમયે તેઓ હાલના જામનગર-મોરબી પંથકમાં આવ્યા. સ્વામીજીના પૂર્વજ રેવાજીએ વિ.સં. 1743 થી 1754 દરમિયાન મોરબીના વહીવટદાર તરીકે સેવા આપી હતી. તેમના વંશજો મોરબીના વર્ષામેડી અને જોડિયાના કેશિયા ગામમાં જમીનદાર તરીકે સ્થાયી થયા હતા.
વિ.સં. 1754માં મોરબી રાજ્યની સ્થાપના બાદ, ત્રવાડી (ત્રિવેદી) પરિવારના સભ્યો ટંકારામાં વસ્યા. ટંકારામાં મેઘજી ત્રિવેદીના વંશવેલામાં ડોસાજી ટંકારામાં સ્થાયી થયા. તેમના પુત્ર લાલજીભાઈ અને પૌત્ર એટલે સ્વામી દયાનંદના પિતા કરશનજી ત્રિવેદી. કરશનજીભાઈ મોરબી રાજ્યના ઉચ્ચ વહીવટી અમલદાર અને પ્રતિષ્ઠિત શરાફ હતા. તેમણે ટંકારામાં વિ.સં. 1887માં કુબેરનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરી હતી. કરશનજી અને અમૃતબાઈના પાંચ સંતાનોમાં સૌથી મોટા પુત્ર એટલે ‘મૂળશંકર’ (સ્વામી દયાનંદ સરસ્વતી).
શતાબ્દી મહોત્સવ વખતે એક કરુણ વાસ્તવિકતા એ હતી કે આર્ય સમાજ પાસે સ્વામીજીનું જન્મસ્થળ હસ્તગત નહોતું. સ્વામીજીના ભત્રીજાએ આ જગ્યા બજારભાવ કરતા ઉંચી કિંમતે વેચવા કાઢી હતી. આર્થિક મર્યાદાને કારણે આર્ય સમાજ તે ખરીદી ન શક્યું અને આ જગ્યા ટંકારાના વેપારી ચકુભાઈ ભમ્મરે ખરીદી ‘વસંત નિવાસ’ તરીકે વાપરવાનું શરૂ કર્યું. આ પવિત્ર જગ્યાને પરત મેળવવા માટે પાછળથી આર્ય સમાજે લાંબી લડત આપી હતી. જેના પરિણામ સ્વરૂપ એક રૂમ પ્રાપ્ત થઈ શક્યો જોકે આખુ મકાન માટે આજે પણ મથામણ ચાલુ છે.
આજથી એક સૌ વર્ષ પહેલા ટંકારા ખાતે 7 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલેલા મહોત્સવમાં અનેક રાજા-રજવાડાઓ અને વિદ્વાનો ઉમટી પડ્યા હતા. જોકે, સ્વામીજી મૂર્તિપૂજાના વિરોધી હોવાથી તેમનું સ્ટેચ્યુ મૂકવાનો પ્રસ્તાવ ફગાવી દેવાયો હતો, જેથી ભવિષ્યમાં તેમની જ મૂર્તિ પૂજાવા ન લાગે. અંતે, ટંકારામાં સંસ્કૃત પાઠશાળા અને આર્ય સમાજ સ્થાપવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો. જે તવારિખ ની આગામી દિવસોમાં ભવ્યાતિભવ્ય ઉજવણી થવાની છે. ડેમી નદીના કિનારે, જીવાપરા શેરીમાં જન્મેલા આ ‘મૂળશંકર’એ આગળ જતાં ભારતને આઝાદીનો પ્રથમ મંત્ર આપ્યો અને અંધશ્રદ્ધાના અંધકારને ચીરી વૈદિક જ્ઞાનનો પ્રકાશ ફેલાવયો. એની જન્મ ખાતે પધારવા આર્ય સમાજ ટંકારા એ સૌને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.









