વળતર પેટે પ્રત્યેક કેસ દીઠ ચેક ની રકમ રૂ. બે લાખ દિન-૬૦ માં ફરિયાદીને ચૂકવવામાં કસૂર કરે તો વધુ ત્રણ માસ મળી કુલ બાર માસની વધુ સજા નો પણ કોર્ટનો હુકમ
રાજકોટમાં ગોંડલ રોડ પર સમૃદ્ધિ ભવનમાં ક્રોપવેલ બાયો સાયન્સ ના નામે ખેતીમાં વપરાતી જંતુનાશક દવાનો ધંધો કરતા અને નાના મૌવા રોડ પર રાજનગર ચોક પાસે આવેલ લક્ષ્મી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ અમરભાઈ માકડીયાએ ટંકારાના ગણેશપર ગામના નાગજીભાઈ નારણભાઈ ચૌધરી પાસેથી મિત્રતાના સંબંધના દાવે લીધેલ રકમ પરત કરવા ઇસ્યુ કરી આપેલ કુલ ચાર ચેકો રિટર્ન થતા ફરિયાદી નાગજીભાઈ ચૌધરીએ ટંકારાની અદાલતમાં ચેક રિટર્ન ના કુલ ચાર કેસ કરેલ હતા જે ચારેય કેસો ચાલી જતા પ્રત્યેક કેસ દીઠ એક વર્ષની સજા મળી કુલ ચાર વર્ષની સજા ઉપરાંત આરોપીએ વળતર પેટે પ્રત્યેક કેસ દીઠ ચેક ની રકમ રૂ. બે લાખ મળી કુલ આઠ લાખ રૂપિયા ફરિયાદીને દીન-૬૦ માં ચૂકવી આપવા અને આરોપી વળતરની રકમ ચૂકવવામાં કસુર કરે તો પ્રત્યેક કેસ દીઠ વધુ ત્રણ માસ મળી કુલ વધું બાર માસની સજા ફરમાવતો હુકમ ટંકારા ની અદાલતે ફરમાવેલ છે.
કેસની હકીકત જોઈએ તો મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગણેશપર ગામના રહીશ નાગજીભાઈ નારણભાઈ ચૌધરીએ રાજકોટમાં ગોંડલ રોડ પર સમૃદ્ધિ ભવન ખાતે ક્રોપવેલ બાયોસાયન્સ ના નામે ખેતીમાં ઉપયોગી જંતુનાશક દવાનો ધંધો કરતા તથા નાના મૌવા રોડ પર રાજનગર ચોક પાસે આવેલ લક્ષ્મી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ અમરભાઈ માકડીયા પાસેથી ખેતીમાં વપરાતી જંતુનાશક દવા ની ખરીદી કરતા હોય જેથી મિત્રતાના સંબંધો બંધાયેલ એમ આરોપી ફરિયાદીના વર્ષો જૂના મિત્ર હોય અને આરોપી નિલેશભાઈ ને પોતાના ધંધામાં રૂ. ૮,૦૦,૦૦૦/- ની જરૂરિયાત ઉપસ્થિત થતા ફરિયાદીને મિત્રતાના સંબંધે મદદરૂપ થવા જણાવતા ફરિયાદી નાગજીભાઈ ચૌધરીએ આરોપીની માગણી મુજબ તા.૧૨/૧૦/૨૦૧૯ ના રોજ રૂ. ૮,૦૦,૦૦૦/- ગૌતમભાઈ લખમણભાઇ ચૌધરી ની હાજરીમાં ફરિયાદીની વાડીએ ૬-૮ માસની અવધી માટે આપેલ હતા જે અવધી સમય પૂરો થાય તે પહેલા આરોપી નિલેશભાઈએ ફરિયાદીને રકમ ચૂકવી આપવા માટે વચન વિશ્વાસ અને ખાત્રી આપેલ હતી જે બદલ આરોપીએ પોતાની ક્રોપવેલ બાયો સાયન્સ પેઢીના લેટર પેડ પર સ્વ હસ્તાક્ષરમાં લખાણ કરી સહી કરી આપેલ હતી. ત્યારબાદ આરોપીએ સંબંધમાં રકમનો ઘણો ઉપયોગ કરેલો હોય અને ફરિયાદીને પણ નાણાંની જરૂરિયાત રહેતી હોય જેથી ફરિયાદીએ તેઓની આરોપી પાસે રહેલ કાયદેસરની લેણી રકમ ની માગણી કરતા રૂ.૨,૦૦,૦૦૦/- ના કુલ ચાર ચેકો અલગ અલગ તારીખના ફરિયાદીની તરફેણમાં આપેલ હતા જે ચેકો ફરિયાદી પોતાની બેંકમાં રજૂ રાખશે ત્યારે ચેક ક્લિયર થઈ જશે અને પરત ફરશે નહીં તેવા આરોપી દ્વાર વચન વિશ્વાસ આપવા છતાં ઉપરોક્ત ચેકો આરોપીએ પાસ ન થવા દેતા તે સંબંધે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે કેસો ચાલી જતા સદર કામ દલીલો પર આવતા ફરિયાદીના એડવોકેટ પાર્થ સંઘાણીએ લેખિતમાં દલીલ રજૂ કરી વિગતવાર મૌખિક દલીલ કરેલ કે, સમગ્ર રેકર્ડ તથા ફરિયાદની ઉલટ તપાસ જોતા આરોપી પક્ષે ફરિયાદીની તરફેણમાં થતા અનુમાનોનું ખંડન કરી શકેલ નથી અને ચેકમાં આરોપીના હસ્તાક્ષર કે સહી નથી તેવો આરોપી પક્ષને કોઈ તકરાર નથી જે હકીકતો ફરિયાદીની ઉલટ તપાસ તથા આરોપીની જુબાની જોતા સ્પષ્ટ જણાઈ આવે છે અને આરોપીએ પોતાની પેઢીના લેટરપેડ પર ફરિયાદી પાસેથી નાણા લીધેલ નું પોતાના સ્વ હસ્તાક્ષરમાં લખાણ કરી સહી કરી આપેલ છે આરોપી પક્ષે પ્રીપોન્ડરન્સ ઓફ પ્રોબેબિલિટી ના સિદ્ધાંત મુજબ ફરિયાદીના કેસમાં શંકા ઉપસ્થિત કરવાની હોય છે અને ફરિયાદીની તરફેણમાં થતા અનુમાનોનું ખંડન કરવાનું હોય છે પરંતુ આરોપી પક્ષ તેમાં સંપૂર્ણ રીતે વિફળ રહેલ છે ઉલટાનું ફરિયાદી પોતાનો કેસ નિ: શંક પણે પુરવાર કરે છે અને ફરિયાદી જ્યારે પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરેલ હોય, ચેક આપ્યાનો કે ચેક લખ્યાનો કે ચેકમાં સહિનો ઇન્કાર ન હોય ત્યારે ફરિયાદી ચેકના યથાનુંક્રમે ધારણ કરતા છે તેમ માની ધારણકર્તા ની તરફેણમાં અનુમાન કરવું જોઈએ અને હાલના આરોપી વિરુદ્ધ રાજકોટમાં પણ ઘણા બધા કેસો થયેલ છે જે કેસો પૈકી એક કેસમાં આરોપીને સજા પણ થયેલ છે જેથી આરોપી આવા ગુના કરવા માટે હેબિટચ્યુઅલ પર્શન છે જેથી નાણાંના વ્યવહારોની પારદર્શકતા જળવાઈ રહે તેવા હેતુથી રેકર્ડ પર ની હકીકતો ધ્યાને લઈ આરોપીને કાયદા મુજબની મહત્તમ સજા કરવા લંબાણપૂર્વક લેખિત/મૌખિક દલીલો કરેલ હતી.
રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લેતા ફરિયાદ પક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાઓને સંપૂર્ણપણે સમર્થન મળે છે, આરોપીએ ફરિયાદીનું કાયદેસરનું લેણું પરત કરવા ચેકો ઇસ્યુ કરી આપેલ ની હકીકતોને સમર્થન મળે છે તથા ફરિયાદ પક્ષે રજૂ કરેલ દસ્તાવેજો સંબંધે કોઈ તકરાર લેવામાં આવેલ નથી ફરિયાદ વાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચુકવણી પેટે આપેલ હતો તેવી હકીકત આરોપીની જુબાની તથા રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલ છે, ચેક આપેલ નહીં હોવાનું કે ચેક માં પોતાની સહી નહીં હોવાનો આરોપીનો બચાવ નથી, આરોપી દ્વારા પોતાના બચાવને સમર્થનકારી હકીકત પુરવાર કરી શકેલ નથી તેવા સંજોગોમાં આરોપી વિરુદ્ધના કાનૂની અનુમાનો માનવાને કારણ રહે છે, ફરિયાદીનો કેસ કાનૂની અનુમાનોના આધારે રેકર્ડ ઉપરની વ્યાજબી શંકાથી પર સાબિત થઈ આવે છે તેવું માની ટંકારાની નામદાર અદાલત દ્વારા આરોપીને પ્રત્યેક કેસ દીઠ એક વર્ષની સજા મળી કુલ ચાર વર્ષ તથા પ્રત્યેક કેસ દીઠ રકમ રૂપિયા બે લાખ ફરિયાદીને ચૂકવવામાં કસૂર થયે કેસ દીઠ વધુ ત્રણ માસની મળી વધુ બાર માસ ની સજા ફરમાવતો ચુકાદો જાહેર કરેલ.
ઉપરોક્ત કામમાં ફરિયાદી નાગજીભાઈ નારણભાઈ ચૌધરી વતી એડવોકેટ પાર્થ સંઘાણી, મંથન વિરડીયા, કાનજી દેવડા, નિલેશ ભાગિયા, કુલદીપ સંઘાણી તથા મદદમાં કેયુર સંઘાણી રોકાયેલ હતા.