ટંકારા ખાતે ગત સોમવારે સાંજે એક ગરિમાપૂર્ણ સમારોહમાં ‘શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી ભવન’ (તાલુકા પંચાયત કચેરી) ના નવીનીકરણનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે ₹35 લાખના ખર્ચે આ જર્જરિત ભવનને નવો ઓપ આપીને અરજદારો માટે આધુનિક સગવડોથી સજ્જ કરવામાં આવ્યું છે.
આ લોકાર્પણ સમારોહના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ હાજરી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, “વૈચારિક ક્રાંતિના જનક અને આઝાદીના પ્રથમ ઉદ્બોધક શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીના નામ સાથે જોડાયેલું આ ભવન જનસુખાકારીના કાર્યો માટે સમર્પિત રહેશે. ઋષિના આદર્શો પર ચાલીને પ્રજાના પ્રશ્નોનો અહીં નિકાલ લાવવામાં આવશે.”
ઈન્ચાર્જ ડીડીઓ એન. એસ. ગઢવી(DDO) એ જણાવ્યું હતું કે, નવી સુંદર વ્યવસ્થા અને સગવડો હવે અરજદારોને ઝડપી સેવા આપવા માટે સજ્જ છે. માટે કર્મચારીઓ એનુ બેસ્ટ અને શ્રેષ્ઠ આપી આખા ગુજરાતમાં આ કચેરીના કામની નોધ લેવાઈ એવુ કરવા ટકોર કરી હતી
તાલુકા વિકાસ અધિકારી પરાસરા ભાઈએ ભવનની વિગતો આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2000માં બનેલું આ ભવન 2017ની અતિવૃષ્ટિ બાદ જર્જરિત હાલતમાં હતું. કર્મચારીઓ અને અહીં આવતા અરજદારોને મુશ્કેલી પડતી હતી. આથી ₹35 લાખના ખર્ચે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓનો પૂરતો સહયોગ સાંપડ્યો છે.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ છાયાબેન માંડવીયા, ઉપપ્રમુખ અરવિંદભાઈ દુબરીયા, કારોબારી ચેરમેન અલ્પેશભાઈ દલસાણીયા, સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન ગીતાબેન ભોરણીયા તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ ચંદ્રિકાબેન કડીવાર, કમળાબેન ચાવડા, એસ. સી. ભટ્ટ અને એસ. એચ. પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકો માટે સમૂહ ભોજનનું આયોજન રાખવામાં આવ્યું હતું,









