પ્રમુખ સ્થાનેથી ટંકારા નગરપાલિકા માટે માગણીના નિર્ણયને ભાજપ કોંગ્રેસ અને અપક્ષ સભ્યોએ સાથે મળી સર્વાનુમતે ઠરાવ પસાર કરી રાજ્ય સરકારને મોકલ્યો છે જેને પગલે પદાધિકારીઓ અને સભ્યોની ચૌમેર પ્રશંસા થઈ રહી છે.
વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક વેદ તરફ પાછા વળોનુ સુત્ર આપનાર આર્ય સમાજના સ્થાપક શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમી ટંકારા વિશાળ વિસ્તારમાં અને વસ્તી ગિચતા સાથે અનેક પ્રાથમિક સમસ્યા સામે દૈનિક જઝુબી રહી છે જેનુ કારણ ગામ પંચાયત હોવાથી ગ્રાન્ટ મર્યાદિત મળતી હોય સફાઈ પાણી અને પ્રાથમિક સુવિધા શુન્ય સમાન છે. ત્યારે ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયાની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં લોકોની લાગણી અને માંગણીને લઈને ટંકારા નગરપાલિકા બનાવવાની માંગનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને સભામાં હાજર ડઝન જેટલા ચુંટાયેલા ભાજપ કોંગ્રેસ અને અપક્ષના સભ્યો દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો અને સરકારમાં રજૂઆત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા નગરપાલિકા બને તો વિકાસનો માર્ગ મોકળો થઈ બાગ બગીચા, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, રમત ગમત મેદાન, ખાદ્ય પદાર્થોનુ ચેકીંગ, આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ, અંગ કસરત માટે જીમ, નાની મોટી ઇવેન્ટ માટે મિટીંગ હોલ સહિત અઠળક સુવીધાઓ ટંકારાને મળે અને દેશ વિદેશમાં ખ્યાતનામ ટંકારામાં સોનાનો સુરજ ઉગે અને શહેરો તરફ પલાયન થતા પરીવાર માદરે વતન મા સ્થિર થઈ જન્મભૂમિ અને કર્મભૂમિ સાથે જોડાઈ રહે. હાલે તો ટંકારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરાયેલ ઠરાવની નગર આખામાં ચોરેને ચોકે પ્રશંસા થઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર પણ લાગણી અને માંગણી સાથે સહમત થઈ ટંકારા નગરપાલિકાનો દરજ્જો આપે એવી આશા વ્યક્ત કરી છે.