ટંકારા: આર્ય સમાજના સ્થાપક, વૈચારિક ક્રાંતિના જનક અને આઝાદીના પ્રથમ ઉદ્બોધક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનું જન્મસ્થળ ટંકારા હોવાની વિગતો જાહેર થયાને આજે એક સૈકો (૧૦૦ વર્ષ) પૂર્ણ થઈ રહ્યો છે. આ નિમિત્તે આગામી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીના રોજ ટંકારા ખાતે ભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
જન્મસ્થળનો વિવાદ અને શોધની રોચક કથા સ્વામીજીએ પોતે તેમના જીવનચરિત્રમાં જન્મસ્થળ અને કુળની વિગતો આપવાનું ટાળ્યું હતું. શરૂઆતમાં આર્યસમાજીઓ મથુરાને તેમનું લીલાક્ષેત્ર માની ત્યાં જન્મ શતાબ્દી ઉજવવાની તૈયારીમાં હતા. જોકે, ૧૯૨૪માં મુળ કચ્છના અને મુંબઈ નિવાસી ઋષિભક્ત વિજયશંકર જાની અને અન્ય આર્યસમાજીઓએ આ બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો. પંજાબના વિદ્વાન લેખક લેખરામ ઉર્ફે ‘મુસાફિર’ એ પણ જન્મસ્થળની ખોજ માટે અનેક પ્રયાસો કર્યા હતા.
પુરાવાઓ જેણે ટંકારાને બનાવ્યું પાવનધામ સ્વામી શ્રદ્ધાનંદજીના માર્ગદર્શન હેઠળ રચાયેલી કમિટી અને કોલકાતાના બાબુ દેવેન્દ્રનાથ મુકોપાધ્યાયના ભગીરથ પ્રયાસોથી સત્ય બહાર આવ્યું. ટંકારામાં ચોથી મુલાકાત દરમિયાન અનેક મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા:બાળ મિત્ર ઈબ્રાહીમની જુબાની: તે સમયે ૧૦૩ વર્ષની વય ધરાવતા મુળશંકરના મુસ્લિમ મિત્ર ઈબ્રાહીમે જૂની સ્મૃતિઓ તાજી કરી હતી.
પારિવારિક કડી: સ્વામીજીના બહેન પ્રેમબાઈના પપૌત્ર પોપટલાલ રાવલ (વાંકાનેર) દ્વારા મળેલી માહિતી.
રાજવી રેકોર્ડ: મોરબી રાજવીના અધિકૃત રેકોર્ડ અને દસ્તાવેજોની તપાસથી સાબિત થયું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ટંકારા જ છે.
૧૯૨૪નો ઐતિહાસિક મહોત્સવ અને આગામી આયોજન
જ્યારે ટંકારા જન્મસ્થળ હોવાનું સ્થાપિત થયું, ત્યારે ઈ.સ. ૧૯૨૪/૨૫ માં અનેક રજવાડાઓના રાજવીઓની ઉપસ્થિતિમાં ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો.આજે ફરી એકવાર તે ઐતિહાસિક ક્ષણને યાદ કરવા માટે ટંકારા આર્ય સમાજ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ડેમી નદીના કાંઠે વસેલું ટંકારા આજે વિશ્વભરના આર્યસમાજીઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર આ મહોત્સવમાં દેશ-વિદેશના મહાનુભાવો અને સન્યાસીઓ હાજરી આપશે.









