રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આગામી તા.19ને રવિવારના રોજ યોજાનાર ગ્રામ પંચાયતી ચૂંટણી માટે ટંકારા તાલુકાનું ચુંટણી તંત્ર સજ્જ બન્યું છે. તંત્ર દ્વારા ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓને બિજા તબક્કાની તાલિમ પણ આપી દેવામાં આવી છે. ટંકારા પંથકમાં 21 ગામોમાં સરપંચ પદ માટે 46 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ખેલ જામશે.
ટંકારા મામલતદાર કચેરી પાછળ આવેલ ઓરપેટ કન્યા છાત્રાલય ખાતે ડિસ્પેચિંગ રીસિવ અને મતગણતરી કરવા માટે નક્કી કરાયું છે જેમા રિસીવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટર માટે 100 તેમજ મતગણના માટે 90 જેટલા કર્મચારીઓને આજે મહર્ષિ દયાનંદ સરસ્વતી ગુરૂકુલ હોલ ખાતે બિજા તબક્કાની તાલીમ પૂર્ણ કરી દેવામાં આવી છે. ટંકારા તાલુકામાં ચૂંટણી પ્રક્રિયા માટે 300 કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.
ટંકારા તાલુકામાં ભૂતકોટડા ગામે સરપંચ પદ માટે ઉમેદવાર ન હોવાથી ઉપરાંત ટંકારા તાલુકામાં 10 ગામો સંપૂર્ણ સમરસ અને 10 ગામો અંશતઃ સમરસ થયા છે આમ 21 સરપંચ પદ માટે 46 અને 22 ગામોમાં 113 વોર્ડ માટે કુલ 245 ઉમેદવારો રાજકીય વાઘા સજાવીને મેદાનમાં ઉતર્યા છે.