રાજ્યમાં પહેલી એપ્રિલના રોજ લાગુ કરાયેલ નવી પેન્શન યોજનાને લઈને આજે રાજ્યભરમા કાળો દિવસ ઉજવી સરકારી કર્મચારી સંઘો દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા આજનો દિન કાળા દિવસ તરીકે ઉજવવા આહવાન કરેલ જે અંતર્ગત હળવદ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોએ શાળા સમય પહેલા ૧૫ મિનિટ દરમ્યાન તેઓના વિવિધ પડતર પ્રશ્નોને લઇને કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં.
વધુમાં તેઓએ જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા અને કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળવા માટે સૂત્રોચ્ચાર કરી બે મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે કાળી પટ્ટી બાંધી સમગ્ર દિવસ દરમ્યાન શિક્ષણ કાર્યમાં જોડાયા હતા. વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અંગે સરકાર તાત્કાલિક નિર્ણય કરી નિરાકરણ કરે તેવી માંગણી કરવામાં આવી હતી. હળવદ ની શાળાઓના શિક્ષકો દ્વારા વિરોધ કરી સરકાર પાસે જૂની પેન્શન યોજના શરૂ કરવા માંગ કરી હતી.