ટંકારા તાલુકામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે અલગ અલગ બે કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં પુર્વ સાંસદ-ધારાસભ્ય મોહન કુડારીયા, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાન ભાગિયા, સહકારી અગ્રણી મગન વડાવિયા જગદીશ પનારા સહિત વિવિધ ગણમાન્ય વ્યક્તિઓની હાજરીમાં ભવ્ય રીતે શરૂ થયો હતો.
આ પહેલથી તાલુકાના આશરે ૧૨,૦૦૦ ખેડૂતોને લાભ મળશે, જેમાં લખધીરગઢ સેવા સહકારી મંડળી અને નેસડા સેવા સહકારી મંડળીના નેજા હેઠળ નોંધણી કરાવેલા ખેડૂતોની ખરીદી થશે. આજથી શરૂ થયેલી ટંકારા તાલુકામાં બે કેન્દ્રો દ્વારા દરરોજ એક-એક રજીસ્ટર્ડ ખેડૂતને ફોન કરીને બોલાવવામાં આવશે, જેથી વ્યવસ્થિત અને તૈયારીપૂર્વક ખરીદી થઈ શકે. આ પગલું ખેડૂતોને બજારના વધઘટતા ભાવોથી બચાવીને તેમને ન્યાયી કિંમત આપવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે.પ્રારંભ પ્રસંગે પુર્વ સાંસદ મોહન કુડારીયાએ કહ્યું કે, “આ પહેલથી સૌરાષ્ટ્રના મગફળી ઉત્પાદક ખેડૂતોને મજબૂત આર્થિક સહારો મળશે. સરકારની આ યોજના ખેડૂતોના કલ્યાણ માટે મહત્વની છે.”
તેમજ મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાન ભાગિયાએ જણાવ્યું કે, “ખરીદી પ્રક્રિયા પારદર્શક અને ઝડપી રીતે ચલશે, જેથી કોઈ ખેડૂત વંચિત ન રહે.”સહકારી અગ્રણી મગન વડાવિયાએ ખેડૂતોને આગાહ કરીને કહ્યું કે, “રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને મેસેજ અને કોલ દ્વારા માહિતી આપવામાં આવશે. દરરોજ એક સો ખેડૂતને એક કેન્દ્ર પર બોલાવીને 125 મણ સુધીની મગફળીની ખરીદી કરવામાં આવશે.” આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક સહકારી અને કૃષિ વિભાગના અધિકારીઓએ ખેડૂતોને પ્રક્રિયા વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું









