ટંકારાની શ્રી એમ.પી. દોશી વિદ્યાલય ખાતે એક પ્રેરણાદાયી અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારાની શ્રી એમ.પી. દોશી વિદ્યાલય ખાતે શાળા સ્થાપકની પ્રતિમાનું અનાવરણ અને વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
ટંકારા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી મગનલાલ પી. દોશી વિદ્યાલયના પ્રાંગણમાં તાજેતરમાં એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમ સંપન્ન થયો છે. આ પ્રસંગે સંસ્થાના આદ્યસ્થાપક, દીર્ઘદ્રષ્ટા અને જાણીતા કેળવણીકાર દાનવીર સ્વ. મગનલાલ પ્રાણજીવન દોશીની સ્મૃતિને ચિરસ્થાયી કરવા માટે તેમની નૂતન પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માત્ર સ્મરણાંજલિ પૂરતો મર્યાદિત ન રહેતા, શિક્ષણના પ્રોત્સાહનનો અવસર પણ બન્યો હતો. શાળાના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓ જેમણે બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તેમનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે કે.એમ. મોતા (જિલ્લા શિક્ષણાધિકારી-મોરબી), એસ.આર. બાદી (AEI, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી – મોરબી), એસ.પી. સરસાવાડીયા (પ્રમુખ, મોરબી જિલ્લા આચાર્ય સંઘ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોએ સ્થાપક મગનલાલ દોશીના જીવન અને મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળાના આચાર્ય વિજય એલ. કણઝારીયા અને ટંકારા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ વિજયભાઈ એલ. દોશીએ તમામ અતિથિઓ, ટ્રસ્ટીગણ અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સંસ્થા હંમેશા ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કારોના સિંચન માટે કટિબદ્ધ રહેશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શિક્ષણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.









