દર વર્ષે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં સ્પેરો ડે એટલે કે ચકલી દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળામાં પણ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય અને સમસ્ત સ્ટાફ દ્વારા સિમેન્ટ, કપચી અને રેતીથી ચકલીની ૮*૮ ફૂટની રંગોળી બનાવવામાં આવી હતી.
ટંકારાની હરબટીયાળી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આચાર્ય અને સમસ્ત સ્ટાફ દ્વારા સિમેન્ટ, કપચી અને રેતીથી સુંદર મજાની ચકલીની ૮*૮ ફૂટની રંગોળીબનાવવામાં આવી હતી. તેમજ શાળાનાં દરેક બાળકને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શહેરોથી માંડીને ગામડામાં પણ હવે હરિયાળુ વાતાવરણ કોંક્રિટના જંગલોમાં ફેરવાઈ ગયું છે. પરિણામે હવે આંગણામાં રમતી પક્ષીઓની પ્રજાતિ લુપ્ત થતી જઈ રહી છે. આવનારી પેઢીને કદાચ ચકલી પણ તસવીર રૂપે જ જોવા મળે તો નવાઈ નહીં. તે માટે હરબટીયાળી પ્રાથમિક શાળામાં રેતી સિમેન્ટ કોંક્રીટ અને કપચી દ્વારા ચકલીની પ્રતિકૃતિ બનાવી સમાજને એવો એક સુંદર મેસેજ આપવામાં આવ્યો કે જાણે ચકલી કહેતી હોય કે તમારા કોંક્રિટના મોટા મહેલોમાં અમને પણ સ્થાન આપજો. અને અમે પણ કુદરતના ખોળે કિલ્લોલ કરી શકીએ તે માટે અવશ્ય તમારા ઘરમાં અમારું પણ ઘર બનાવજો.