મોરબીના રંગપર ગામમાં મારવેલ પેકેજીંગ કારખાનાના લેબર ક્વાર્ટરની બાથરૂમની કુંડીમાંથી તાજુ જન્મેલા બાળક (પુરૂષ જાતિ)નો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે સમગ્ર ઘટના અંગે તાલુકા પોલીસે તાજું જન્મેલ બાળકને ત્યાજનાર અજાણી સ્ત્રી સામે ગુનો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે.
મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ મારવેલ પેકેજીંગ પુઠાના કારખાનામાં મળી આવેલ તાજા જન્મેલ બાળકના મૃતદેહ બાબતે કારખાનાના માલીક ફરિયાદી કુલદીપભાઈ દીલીપભાઈ વીરમગામા એ જણાવ્યું કે ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ કારખાનાના મેનેજર સુરેશભાઈ વીરમગામા દ્વારા ફોન કરી જાણાવવામાં આવ્યું હતું કે કારખાનાના લેબર ક્વાર્ટરના જનરલ બાથરૂમની કુંડીમાંથી પાણી અટવાય ગયું હોવાની સમસ્યાને લઈને મજૂર માણસો દ્વારા સફાઈ કરતા સમયે કુંડીમાંથી એક તાજુ જન્મેલા બાળકની લાશ મળી આવી હતી. જેથી કુલદીપભાઈએ પોલીસ તથા એમ્યુલન્સને જાણ કરી તાજા જન્મેલા બાળકના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફત મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી પોલીસને જાણ કરી હતી અને કાયદેસર કાર્યવાહી માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલવામાં આવ્યું હતું.
મોરબી તાલુકા પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ બાળકને કોઈ અજાણી સ્ત્રીએ જન્મ આપ્યા બાદ કુંડીમાં ફેંકી દીધી હોવાની આશંકા સાથે પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે અને અજાણી સ્ત્રી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.