મોરબી શહેરમાં તસ્કરોએ માઝા મૂકી છે, સીટી એ ડિવિઝન પોલીસ મથકની એકદમ નજીકના વાઘપરા વિસ્તારમાં તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો છે, જેમાં વાઘપરા શેરી નં.૮ માં રહેતો ડોક્ટર પરિવાર રહેણાંક મકાનને તાળા મારી લગ્ન-પ્રસંગે બહાર ગામ ગયેલ હોય ત્યારે તસ્કરોએ ડોક્ટરના બંધ મકાનને નિશાન બનાવી રોકડા રૂપિયા ૨.૯૦ લાખ અને સોના-ચાંદીના દાગીના ૧.૪૫ લાખ મળી કુલ ૪.૩૫ લાખની ચોરી કરી લઈ ગયા હતા, હાલ મકાન-માલીક ડોક્ટર-યુવકની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, મોરબી શહેરના વાઘપરા શેરી નં ૮ ‘માતૃકૃપા’માં રહેતા ર્ડો.રવિભાઈ મોરારજીભાઈ કંઝારીયા ઉવ.૩૭ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૬/૦૨ના રોજ રવિભાઈ સંબંધીને ત્યાં લગ્નપ્રસંગમાં લીંબડી ગામે પરિવાર સાથે ગયા હતા ત્યારે તા.૦૮/૦૨ ની વહેલી સવારે ૪ વાગ્યાના અરસામાં ઉપરોક્ત મકાનના તાળા તોડી અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં મકાનની અંદર રૂમમાં કબાટના તાળા તોડી તિજોરીમાં રાખેલ રોકડા ૨.૯૦ લાખ તેમજ સોના ચાંદીના દાગીના જેની આશરે કુલ કિ.૧.૪૫ લાખ એમ કુલ રો. ૪.૩૫લાખની માલમત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમ નાસી ગયા હતા. હાલ સીટી એ ડિવિઝન પોલીસે રવિભાઈની ફરિયાદને આધારે આરોપી અજંગ ચોર ઇસમોને શોધવા અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.