મોરબી જીલ્લામાં તહેવારોની ઉજવણી પૂર્ણ થયા બાદ લાભ પાંચમના દિવસે પાંચ અલગ અલગ અપમૃત્યુના બનાવો બનતાં જીલ્લામાં ચકચાર મચી ગઈ છે. જેમાં મચ્છુ નદી કાંઠેથી મળી આવેલી અજાણી સ્ત્રીની લાશથી લઈને ગળેફાંસો, અકસ્માત તથા ઈમારત ધરાશાયી થતા થયેલા મોતની ઘટનાઓ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબી જીલ્લામાં આજે એક જ દિવસે પાંચ અલગ અલગ અપમૃત્યુના બનાવો સામે આવ્યા હતા. પ્રથમ બનાવ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાં નોંધાયો હતો, જ્યાં મચ્છુ નદીના કાંઠે જુના સ્મશાન પાસે આશરે ૪૫થી ૫૦ વર્ષની અજાણી સ્ત્રીનું પાણીમાં પડતાં મોત થયું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે તેનો મૃતદેહ સર્જરી સિવિલ હોસ્પિટલમાં લાવતા પોલીસે અ. મોતની નોંધ કરી છે.
અપમૃત્યુનો બીજો બનાવ મોરબી તાલુકાના આંદરણા ગામે નોંધાયો હતો. જ્યાં અજયભાઈ રવજીભાઈ ચાવડા ઉવ.૨૯ એ પોતાના રહેણાંક મકાનમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તાલુકા પોલીસ સ્ટેશને આ અંગે અ.મોતની નોંધ રજીસ્ટર કરવામાં આવી છે.
જ્યારે ત્રીજો બનાવ પણ તાલુકા વિસ્તારમાં નીંચી માંડલ ગામની સીમમાં આવેલા સેગા સિરામિકની લેબર કોલોનીમાં બન્યો હતો, જ્યાં લખનભાઈ પ્રતાપભાઈ રાવત ઉવ.૨૨ મૂળ મધ્યપ્રદેશ વાળા અકસ્માતે બીજા માળેથી નીચે પડતાં ગંભીર ઈજાઓને કારણે રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોતને ભેટ્યા હતા.
આ ઉપરાંત ચોથો બનાવ વાંકાનેર શહેરમાં સામે આવ્યો હતો, જ્યાં હનીફભાઈ ગનીભાઈ ચોહાણ ઉવ.૩૭ એ પત્ની સાથેના ઘરકંકાસ બાદ ઘરના રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જે અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
અપમૃત્યુનો પાંચમો બનાવ ટંકારા તાલુકામાં બન્યો હતો, જ્યાં લુઈસભાઈ સીરીલભાઈ વસુનીયા ઉવ.૨૭ રહે. ટંકારા ઇન્દ્રપ્રસ્થ-૩ના ગ્રાઉન્ડ બહાર તા.ટંકારા મુળરહે.બડીઘામડી જી.જાંબવા (મધ્યપ્રદેશ) વાળા ટંકારા નજીક ગોકુલધામ ખાતે સાલીગ્રામ સિગ્નેટ કોમ્પલેક્ષમાં બાંધકામનું પ્લાસ્ટર કામ કરતા હતા, ત્યારે દિવાલ ધરાશાયી થતા તેઓ વચ્ચે દબાઈ જતા સ્થળ પર જ મોત થયું હતું. ત્યારે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









