મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા પરિવારના દીકરાના લગ્ન અમદાવાદ ખાતે કરવામાં આવ્યા હતા, જે પેટે કુલ ૩ લાખ રૂપિયા વચેટીયાને આપવામાં આવ્યા હતા, લગ્નના ત્રીજા જ દિવસે ફ્રોડ દુલ્હન કેન્સરગ્રસ્ત પિતાજીનું મરણનું કહી જતી રહી હતી. હાલ સમગ્ર છેતરપીંડી મામલે ‘લૂટેરી દુલ્હન’ તથા વચેટીયા સાથીદાર વિરુદ્ધ મોરબી શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબી શહેરમાં લૂટેરી દુલ્હન દ્વારા છેતરપીંડીના વધતા બનાવોમાં વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મહેન્દ્રનગર પ્રભુકૃપા રેસીડેન્સી, રોયલ પાર્ક વિસ્તારમાં રહેતા સુંદરજીભાઈ દેવજીભાઈ જશાપરાએ ઉવ.૫૫ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના દિકરા રાહુલ સાથે ૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ વચ્ચે દલાલની ભૂમિકામાં રહેલ આરોપી રાજુભાઈ તન્ના ઠક્કરની મદદથી અમદાવાદની રહેવાસી ચાંદનીના લગ્ન રજીસ્ટ્રાર કરાવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન લગ્નના ખર્ચના બંને આરોપીઓએ કુલ રૂ.૩ લાખની રકમ લઈ લીધી હોય, લગ્ન બાદ ચાંદની ત્રણ દિવસ સુધી ફરીયાદીના ઘરે રહી હતી, ત્યારબાદ પોતાના કેન્સર ગ્રસ્ત પિતાનું મૃત્યુ થયાની ખોટી વાત કહી ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ પાછી આવી નહોતી. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રાજુભાઈએ ચાંદનીના અન્ય સ્થળે પણ લગ્ન કરાવી દીધાં હતાં. હાલ સમગ્ર વિશ્વાસઘાત અને છેતરપીંડીના બાબાવની ફરિયાદના આધારે મોરબી બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહીતા કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) અને ૫૪ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









