પોલીસે રૂ.૫૫,૪૦૦/-નો મુદ્દામાલ કબજે કરી એકની ધરપકડ કરી: દુકાન માલિક અને એક્ટીવા માલિક સહિત ત્રણ સામે ગુનો દાખલ.
વાંકાનેરના ભારત પેટ્રોલ પંપ નજીક ગલીમાં આવેલ દુકાનમાં તથા બહાર પાર્ક કરાયેલ એક્ટીવાની ડેકીમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે વાહન સહિત કુલ રૂ.૫૫,૪૦૦/-નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે દુકાન માલિક અને એક્ટીવા માલિક દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ભારત પેટ્રોલ પંપ પાસેની ગલીમાં આવેલી દુકાનમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી દુકાનમાં તપાસ કરતા આરોપી ઓમદેવસિંહ કિરીટસિંહ ઝાલા નામનો શખ્સ મળી આવ્યો હતો. જે બાદ દુકાનમાં તપાસ કરતા વિદેશી દારૂની ૧૮૦મીલી.ની બે બોટલ તથા ૭૫૦ મીલી.ની ત્રણ બોટલ મળી આવી હતી. ત્યારે વધુ તપાસ દરમિયાન દુકાનની બહાર પાર્ક કરાયેલ જીજે-૩૬-એએન-૦૦૦૪ નંબરના એક્ટીવાની ડેકીમાંથી પણ વિદેશી દારૂની ૧૮૦મીલી.ની પાંચ બોટલ સહિત કુલ ૧૦ બોટલ કિ.રૂ.૫,૪૦૦/- મળી આવી હતી. જેથી પોલીસે દારૂ તથા એકટીવા સહિત રૂ.૫૫,૪૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસે દુકાનમાં હાજર આરોપી ઓમદેવસિંહ કિરીટસિંહ ઝાલા ઉવ.૩૪ રહે. ભાટીયા સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી.
તપાસ દરમિયાન એક્ટીવા પકડાયેલ આરોપીના મિત્ર મુકેશભાઈ તુવારની અને દુકાન મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા બંને રહે.ભાટીયા સોસાયટી વાંકાનેર વાળાની હોવાનું સામે આવતા પોલીસે તે બન્ને આરોપીઓને આ કેસમાં ફરાર જાહેર કરી ત્રણેય સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






