હળવદ પંથકમાં 2020માં નવા દલિતવાસ બસ સ્ટેન્ડ પાછળ રહેતા મહેન્દ્રભાઈ અને હરેશભાઈ વિરુદ્ધ માનસિક અસ્થિર મગજની યુવતી ઉપર બળાત્કાર ગુજાર્યોનો ગુન્હો દાખલ થયો હતો. જે કેસમાં આજરોજ મોરબીના એડિશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટ દ્વારા મહેન્દ્ર નામના આરોપીને દસ વર્ષની સખત સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જયારે હરેશભાઇ નામના બીજા આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પંથકમાં 03/10/2020ના રોજ આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે કોળિયો ગંગારામભાઈ રાઠોડ અને હરેશભાઇ ઉર્ફે હરિ નવઘણભાઈ જાદવે ફરિયાદી અસ્થિર મગજની હોવાનું જાણતા હોવા છતાં તેનો ગેરલાભ લઇ સહમતી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધી બળજબરીથી બળાત્કાર ગુજારતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કર્યો હતો. જે કેસમાં મોરબી એડિશનલ સેશન્સ કોર્ટના જજ દ્વારા 43 દસ્તાવેજી પુરાવા અને 19 મૌખિક પુરાવાને ધ્યાનમાં રાખીને આરોપી મહેન્દ્રભાઈ રાઠોડને દસ વર્ષની સખત સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ આરોપી દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે. જયારે અન્ય આરોપી હરેશભાઈને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે. તેમજ ભોગ બનનારને 2,50,000 તેમજ આરોપી દંડ ભરે તે 10,000 રૂપિયા મળી કુલ 2,60,000 રૂપિયા વળતર પેટે ચૂકવવા માટે હુકમ કર્યો છે.