મોરબીના પીપળી ગામે શ્રીરામ પાર્ક સોસાયટીમાં આવેલા પડતર મકાનમાંથી પોલીસે ૧૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે રૂ.૨૦ હજારનો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસને ૧૧૨ મારફતે બાતમી મળી હતી કે, પીપળી ગામની સીમમાં આવેલ શ્રીરામ પાર્ક સોસાયટીમાં આવેલા એક ખાલી પડતર મકાનમાંથી દેશી દારૂ જેવી ગંધ આવી રહી છે. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી મકાનમાલિક ટપુભાઈ ગડારા સહિતના સ્થાનિકોની હાજરીમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં મકાનના બેડરૂમમાં પ્લાસ્ટિકનાં પાંચ બાચકાંમાંથી અંદાજે ૧૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ. ૨૦ હજાર મળી આવ્યો હતો. મકાનમાલિક ટપુભાઈ ગડારાના જણાવ્યા મુજબ, કોઈ અજાણ્યો શખ્સ મકાનમાં દારૂનો જથ્થો મૂકી ગયો હતો. અને મકાનના દરવાજે તાળું મારી દીધું હતું. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






