મોરબી તાલુકામાં ઇન્ડેઝ ટાવર્સ પ્રા.લી.ના ચાર અલગ અલગ ટાવર પરથી અજાણ્યા ચોરો દ્વારા કુલ ૧૧૪ બેટરી સેલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ચારેય ટાવર પરથી કુલ અંદાજે રૂ.૫૭,૦૦૦/- ના બેટરી સેલ ચોરી થયા હોવાની ફરિયાદ ઇન્ડેઝ કંપનીના સિક્યુરિટી સુપરવાઈઝર દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
મોરબી તાલુકામાં મોબાઇલ નેટવર્ક માટે લગાવવામાં આવતા ચાર જુદા જુદા ઇન્ડેઝ કંપનીના ટાવરમાંથી કુલ ૧૧૪ બેટરી સેલની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જે બાબતે ફરિયાદી રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા ઉવ.૩૨ રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબી વાળા જે ઇન્ડેઝ ટાવર્સ પ્રા.લી.માં આર.એસ. સિક્યુરિટી અમદાવાદ મારફતે સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે, તેમણે આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, ફરિયાદી રવિરાજસિંહ ટાવર પર પેટ્રોલિંગ અને તકનીકી તપાસ કરતા રહે છે. ત્યારે ગત તા. ૦૧/૧૧/૨૦૨૫ની રાત્રીના કન્ટ્રોલ રૂમમાંથી જાણ મળતાં મકનસર પાંજરાપોળ નજીક આવેલા ટાવર આઈડી ૧૩૩૬૩૮૦ની તપાસ કરતા ૧૪ બેટરી સેલ કિ.રૂ.૭,૦૦૦/-ગુમ હોવાનું જણાયું હતું. અગાઉ પણ ત્રણ અલકગ અલગ સ્થળે ટાવરમાંથી બેટરી સેલની ચોરી થઈ હતી, જેમાં તા. ૦૭/૦૭/૨૦૨૫ના રોજ રફાળેશ્વર-લીલાપર રોડ પાસેના ટાવર આઈડી ૧૦૧૮૨૫૫માંથી ૧૩ બેટરી સેલ કિ.રૂ.૬,૫૦૦/-ની ચોરી થઈ હતી જ્યારે તા. ૦૮/૦૭/૨૦૨૫ના રોજ, દાદાશ્રીનગર પાસે હાઇવે ઉપર આવેલા ટાવર નંબર ૧૦૪૦૪૭૬માંથી ૩૯ બેટરી સેલ કિ.રૂ.૧૯,૫૦૦ની ચોરી થઈ હતી. આ ઉપરાંત તા. ૨૧/૦૪/૨૦૨૫ના રોજ ઘુંટુ ગામની ગૌશાળા નજીકના ટાવર આઈડી ૧૩૨૧૦૯૩માંથી ૪૮ બેટરી સેલ કિ.રૂ.૨૪,૦૦૦/-ની ચોરી થઈ હતી, આ રીતે ચારેય ટાવરમાંથી કુલ ૧૧૪ બેટરી સેલ, અંદાજે રૂ.૫૭,૦૦૦/-ના માલસામાનની ચોરી થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. હાલ તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









