એકલો રફાળેશ્વર મેળાથી પરત આવ્યા બાદ પિતાએ ઠપકો આપતા, ઘરેથી ચાલ્યો ગયો.
મોરબી તાલુકાના પ્રેમજીનગર (મકનસર) ગામમાંથી ૧૨ વર્ષીય યશ ઉર્ફે ધવલ રાઠોડ ગુમ થયો છે. દીકરો રફાળેશ્વર મેળામાં એકલો ગયા બાદ પરત પરત આવતા પિતા દ્વારા ઠપકો આપતા, દોડીને ઘરેથી ચાલ્યા ગયા બાદ આજસુધી ઘરે પરત ન ફરતા તેમજ પરિવારજનો દ્વારા સગા-સબંધીઓ તથા તરણેતર મેળામાં તપાસ કરવા છતાં છોકરો ન મળતા અંતે તેમના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણની શંકા સાથે આરોપી અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
મોરબી તાલુકાના પ્રેમજીનગર (મકનસર) ગામે રહેતા ગોપાલભાઈ છનાભાઈ રાઠોડે તેમના દીકરા ગુમ થયા અંગેની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી જાહેર કર્યું કે, ગોપાલભાઈ સેનેટરી કારખાનામાં મજૂરી કામ કરે છે, તેમને બે દીકરા છે. મોટો દીકરો યશ ઉર્ફે ધવલ ઉવ.૧૨ છેલ્લા બે વર્ષથી પિતા સાથે રહે છે અને મકનસર પ્રાથમિક શાળામાં ધોરણ-૬માં ભણે છે. ગત તા.૨૨/૦૮ના રોજ સાંજના શાળાએથી ઘરે આવ્યા બાદ દીકરાએ પિતાને જણાવ્યું હતું કે તેને રફાળેશ્વર ગામે અમાસના મેળામાં જવું છે. પિતાએ તેને મેળામાં એકલા જવાની મનાઈ કરી હતી. તેમ છતાં તે બજારમાં રમવા જવાનું કહી મેળામાં જતો રહ્યો હતો, જ્યાંથી રાત્રીના ઘરે આવતા તેમના પિતાએ પૂછપરછ કરતાં તે રફાળેશ્વર મેળામાં ગયાનું કહ્યું. આ વાતથી પિતા ખીજાયા બાદ દીકરો ઘરની બહાર દોડી ગયો અને ત્યારથી ઘરે પરત ફર્યો નથી.
ગોપાલભાઈએ શરૂઆતમાં સગા-સબંધીઓના ઘરે તથા તરણેતર મેળામાં તપાસ કરી હતી, પરંતુ દીકરાના કોઈ સગડ ન મળતા અંતે પિતા ગોપાલભાઈએ તાલુકા પોલીસ મથકે આરોપી અજાણ્યા ઈસમ દ્વારા પોતાના દીકરાનું અપહરણ કર્યાં હોવાની આશંકા સાથે ફરીયાદ નોંધાવી છે. હાલ તાલુકા પોલીસે ગુમ થયેલા સગીર અંગે આરોપી અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.