આજે સમગ્ર દેશ બંધારણના ઘડવૈયા એવા ડો.બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યો છે. આંબેડકરનો બંધારણ ઘડવામાં અમુલ્ય ફાળો રહેલો છે. ડૉ. આંબેડકરની જન્મજયંતિ પર, જન કલ્યાણમાં તેમના અભૂતપૂર્વ યોગદાનને યાદ કરવામાં આવે છે. તેઓ બાળપણથી જ સામાજિક ભેદભાવનો શિકાર હતા. આ જ કારણ હતું કે સમાજ સુધારક બાબા ભીમરાવ આંબેડકર જીવનભર કમજોર લોકોના અધિકારો માટે લડ્યા.
14 એપ્રિલ 1981ના રોજ, મધ્ય પ્રદેશના મહુમાં, રામજી માલોજી સકપાલ અને ભીમાબાઈએ તેમના સૌથી નાના બાળકને જન્મ આપ્યો, જેનું નામ ભીવા રામજી આંબેડકર હતું. બાબાસાહેબ તરીકે ઓળખાતા, આંબેડકર 14 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. ડૉ. આંબેડકર અસ્પૃશ્ય ગણાતી મહાર જાતિના હતા. આવી સ્થિતિમાં તેમણે બાળપણથી જ ભેદભાવ અને સામાજિક વિમુખતામાંથી પસાર થવું પડ્યું હતું.
બાબાસાહેબ નાનપણથી જ હોશિયાર વિદ્યાર્થી હતા. શાળામાં અભ્યાસ કરવા સક્ષમ હોવા છતાં, તેની સાથે અસ્પૃશ્ય જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. તે સમયગાળામાં અસ્પૃશ્યતા જેવી પ્રવર્તતી સમસ્યાઓને કારણે તેમના પ્રારંભિક શિક્ષણમાં ઘણી મુશ્કેલી આવી હતી, પરંતુ તેમણે જાતિની સાંકળો તોડીને પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો. 1913 માં, આંબેડકરે કોલંબિયા યુનિવર્સિટી, યુએસએમાંથી કાયદા, અર્થશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાનની ડિગ્રી મેળવી. તેમણે ભારતમાં લેબર પાર્ટીની રચના કરી, આઝાદી પછી કાનૂન મંત્રી બન્યા. બે વખત રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા બાબાસાહેબ બંધારણ સમિતિના અધ્યક્ષ હતા. સમાજમાં સમાનતાનો પ્રકાશ પ્રગટાવનાર આંબેડકરને 1990માં ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડૉ. ભીમરાવ આંબેડકરે પોતાનું આખું જીવન નબળા અને પછાત વર્ગને સમાન અધિકારો આપવા, જાતિ પ્રથાનો સખત વિરોધ કરીને સમાજમાં સુધારા લાવવા માટે સમર્પિત કર્યું. આ જ કારણ છે કે બાબા સાહેબની જન્મજયંતિને ભારતમાં સમાનતા દિવસ અને જ્ઞાતિ ભેદભાવ અને દમન જેવા સામાજિક દુષણો સામે લડવા માટે જ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે જાતિ પ્રથાનો સખત વિરોધ કરીને સમાજને સુધારવાનું કામ કર્યું છે.