રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં માસૂલ જીંદગીઓ હોમાઈ ગયા બાદ સફાળે જાગેલા વહીવટી તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલીક પગલા ભરવામાં આવી રહ્યા છે. જે વચ્ચે આજ રોજ કોર્ટમાં છ આરોપીઓ પૈકી પકડાયેલ ત્રણ આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જે આરોપીઓના કોર્ટ દ્વારા 14 દિવસનાં રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
રાજકોટના TRP ગેમઝોનમાં ગત શનિવારે એટલે કે, 25-5-2024ના રોજ અગ્નિકાંડ થયો હતો. જેમાં કેટલાય નિર્દોષ લોકોનાં જીવ હોમાયા છે. મૃતકોના મૃતદેહની DNA દ્વારા ઓળખ કરવામાં આવી રહી છે. તો હજુ પણ કેટલાક લોકોના લાપતા છે અને કેટલાક લોકોનાં મૃતદેહની ઓળખ પણ થઈ ગઈ છે. આ અગ્નિકાંડ બાદ સર્જાયેલા મોતના તાંડવથી સરકાર પણ હલી ગઈ છે અને તાત્કાલિક SITની રચના કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદી બની ગેમ ઝોનના 6 સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અને આજે અગ્નિકાંડના ત્રણેય આરોપી યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન, રાહુલ રાઠોડને ક્રાઈમ બ્રાન્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા છે. જેમાંથી આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટમાં રડવા લાગ્યો હતો. કોર્ટમાં આરોપીઓ સામે ધારદાર દલિલો રજૂ કરવામાં આવી હતી.જેને લઇ કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે,
કોર્ટમાં સરકારી વકીલ તરફથી દલીલો કરવામાં આવી હતી કે, 28 લોકોના મોત છતાં આરોપીઓના મોઢા પર શરમ નથી. પોલીસને એકેય પ્રશ્નોના જવાબ આરોપીઓએ આપ્યા નથી. ગેમિંગ ઝોનમાં કેટલા લોકો કામ કરતા હતા જેનો જવાબ મળ્યો નથી. જ્યારે સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે એફઆઈઆર બાદ ઘણી વિગતો બહાર આવી છે. આગળના દિવસે પણ આગનો બનાવ બન્યો હતો. શનિ-રવિની રજાનો લાભ લેવા માટે 500ની ટિકિટ 99 રૂપિયામાં જાહેર કરવામાં આવી હતી.આ ગેમઝોન માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી. માત્ર ફી નક્કી કરવા પોલીસની મંજૂરી લીધી હતી. તેમ છતાં નક્કી કરતા વધુ ફી લેવામાં આવતી હતી. સરકારી વકીલે કહ્યું કે જો રિમાન્ડ નહીં મળે તો કેસની તપાસ આગળ વધી શકશે નહીં. કોર્ટે તમામ દલીલો સાંભળીને ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.