મોરબી જીલ્લામાં રેશનીંગના કાળા બજારને રોકવા માટે મામલતદાર ટીમે કમર કસી હોય તેવું લાગી રહ્યું છે. મોરબી નજીક પોલીસે શંકાસ્પદ ઘઉં-ચોખાનો 15.34 લાખનો જથ્થો ઝડપી પાડયો છે. અને બે ઈસમોની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના શનાળા બાયપાસ નજીક ઘઉં અને ચોખાનો શંકાસ્પદ જથ્થો હોવાની અને તેનું અમુક ઈસમો ગેરકાયદેસર વેચાણ કરતા હોવાની બાતમી મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની ટીમને મળી હતી. જેને લઇ પોલીસે શનાળા બાયપાસ લાયન્સનગરમાં મંદિર સામે રેડ કરી બોલેરો પીકઅપમાં ચોખા અને ઘઉંના બાચકા રાખેલા મળી આવ્યા હતા. જેની સાથે સ્થળ પરથી લાલજીભાઈ ઉર્ફે હરેશ સુરેશભાઈ દેલવાણીયા અને જેશા ગગજી વિકાણી મળી આવ્યા હતા. જે બંને પાસે આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ના હતા. જેથી પોલીસે ચોખાની કુલ 193 બોરી જેમાં 7720 કીલો ચોખા કિંમત રૂ 1,31,240 અને ઘઉની કુલ 172 બોરી 6880 કીલો ઘઉં કિંમત રૂ.1,03,200 તેમજ 13 લાખની કિંમતના બે વાહન આમ કુલ મળીને 15,34,440નો મુદામાલ જપ્ત કરી આ અનાજ ના જથ્થા મામલે વધુ તપાસ હાથ ધરી છે.