મોરબી તાલુકાના ખાખરાળા ગામે બંધ પાડેલ ઓઈલમિલના શેડમાં ખેડૂત દ્વારા રાખવામાં આવેલ ૧૭૫ મણ જીરુંના જથ્થામાંથી ૧૫૦ મણ જીરું કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત અનુસાર, મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એલ-૮૩૧ માં રહેતા મૂળ પીપળીયા તા મોરબીના વતની હસમુખભાઈ લક્ષ્મણભાઇ કોઠીયા ઉવ.૫૫ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ચાર મહિના અગાઉ થયેલ જીરાની ચોરી અંગે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી ખેડૂત હસમુખભાઈને ચાચાવદરડા અને પીપળીયા ગામે કુલ ૧૯ વિઘા જમીન છે. તેમજ પીપળીયા ખાતે તેમના ભાઈની ૧૦ વિઘા જમીનમાં ગત સાલ જીરુનું વાવેતર કર્યું હતું. જેમાં કુલ ૧૭૫ મણ જીરું થયેલ જેમાંથી મધ્યપ્રદેશના ખેતશ્રમિક ભાગીયાને તેનો ભાગ રૂપિયા લેખે આપી દીધો હતો. ત્યારે તૈયાર થયેલ જીરું રાખવા માટે ફરિયાદી પાસે જગ્યા ન હોય જેથી તેઓએ તેમના બનેવી ભગવાનજીભાઈ ભવાનભાઈ સદાતીયાની ખાખરાળા ખાતે આવેલ બંધ ઓઈલમિલના શેડમાં આ ૧૭૫ મણ જીરુનો જથ્થો ત્યાં રાખ્યો હોય, ત્યારે ગત તા.૦૧/૦૭/૨૦૨૫ થી ૨૪/૦૭/૨૦૨૫ વચ્ચેના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમો આ જીરુંના જથ્થાનથી ૧૫૦ મણ જીરું ભરેલ બેગ ચોરી કરીને લઈ ગયા હતા. હાલ ખેડૂત હસમુખભાઈની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









