હળવદના કોયબા ગામ નજીક સંતરામપુર થી મોરબી રૂટની એસટી બસને ટ્રક ટ્રેઇલરે ટક્કર મારતા એસટી બસ રોડ નીચે ઉતરી પલટી મારી ગયી હતી. રોડ અકસ્માતના આ બનાવમાં તાત્કાલિક સ્થાનિકો દ્વારા મદદે આવી એસટી બસમાં સવાર બસના ડ્રાઈવર સહીત તમામ પેસેન્જરોને હેમખેમ બહાર કાઢ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને હળવદ સરકારી દવાખાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ પેસેન્જર તેમજ બસના ડ્રાઈવર કંડકટરને સામાન્ય મૂંઢ ઈજાઓ થઇ હતી. અકસ્માત સર્જી ટ્રક ટ્રેઇલર ચાલક પોતાનું વાહન લઇ ઘટના સ્થળેથી નાસી ગયો હતો.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર સંતરામપુર ડેપોની સંતરામપુરથી મોરબી રુટની એસટી બસ રજી.નં. જીજે-૧૮-ઝેડ-૮૩૧૧ ગઈકાલ સવારે ૮ વાગ્યાના અરસામાં સંતરામપુરથી મોરબી જવા નીકળેલ હતી. ત્યારે સાંજના પાંચ વાગ્યાના સુમારે એસટી બસ હળવદના કોયબા ગામના પાટીયા પાસેથી પસાર થતી હતી ત્યારે અચાનક ટ્રક ટ્રેઇલર રજી.નં. આરજે-૫૨-જીએ-૫૭૬૩ના ચાલકે પોતાના ટ્રેઇલરના ઠાઠાની ઠોકરે એસટી બસને ચડાવતા એસટી બસ રોડ સાઈડમાં ઉતારી જતા પલટી મારી ગયી હતી. બસ પલટી મારી જતા આજુબાજુમાંથી ઘણા લોકો આવી બસની અંદર રહેલા બધાને બહાર કાઢ્યા હતા. ત્યારે અકસ્માત સર્જી ટ્રક ટ્રેઇલર ચાલક પોતાના હવાલવાળું ટ્રક ટ્રેઇલર લઈને ઘટના સ્થળેથી હળવદ બાજુ નાસી ગયો હતો.
વધુમાં તમામ પેસેન્જર તથા બસના ડ્રાઈવર કન્ડક્ટરને ૧૦૮ મારફત હળવદ સરકારી હોસ્પિ.માં સારવારમાં લાવતા ડ્રાઈવર વેચાતભાઈને કપાળના ભાગે ઇજા થતા તેમને ટાકા આવેલ તથા પગના ભાગે મૂઢ ઈજાઓ થઇ હતી તથા એસટી બસમાં સવાર તમામ પેસેન્જર તથા કંડકટરને સામાન્ય મૂઢ ઈજાઓ થતા બધા પ્રાથમિક સારવાર લીધી હતી. ત્યારે એસટી બસના કંડક્ટર મનસુખભાઇ કાનાભાઇ ખાંટ ઉવ.૩૩ રહે. મહીસાગર જીલ્લાના રીંગણીયા ગામ એ આરોપી ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.