વાકાંનેર તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો ગત તા. ૨૧ એપ્રિલના ગુરુવારના રોજ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા યોજાઇ રહેલા આરોગ્ય મેળામાં યુનિક હેલ્થ કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ, વિવિધ વિભાગોના તજજ્ઞો દ્વારા નિદાન, લેબોરેટરી સેવા, પાયાની આરોગ્ય સેવાઓ, મફત દવાઓ, નિરામય ગુજરાત અંતર્ગત ડાયાબિટીસ, બી.પી., કેન્સર, માનસીક રોગોનું નિદાન ઉપરાંત ચેપી અને બિનચેપી રોગોના અટકાયતી ઉપાયો અંગેની માહિતી આ આરોગ્ય મેળામાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
વાકાંનેર તાલુકા કક્ષાના આરોગ્ય મેળામાં કુલે ૧૮૪૮ લાભાર્થીઓએ લાભ લીધો હતો. લાભાર્થીઓએ જનરલ ચેક-અપ, ફેમિલી પ્લાનીંગ, ગાયનેક, એઇડ્સ કાઉન્સેલીંગ, અસ્થમા, મેડીસીન, હોમિયોપેથી, મેલેરિયા સહિતના વિભાગોની સેવાઓનો લાભ લીધો હતો.
હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં આપવામાં આવતી જુદીજુદી આરોગ્ય સેવાઓની જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આરોગ્ય મેળામાં ઉભા કરવામાં આવેલ સ્ટોલ મારફતે બાળ આરોગ્ય, કુટુંબ કલ્યાણ, શાળા આરોગ્ય, વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ, ટી.બી. મુક્ત ભારત વગેરે વિશે લોકજાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. તમાકુ, આલ્કોહોલ વ્યસનમુક્તિ માર્ગદર્શન અને કેન્સર અટકાયતી જાગૃતિ વિશે લાભાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે વાકાંનેર પ્રાંત અધિકારી શેરસીયા, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, તાલુકા આરોગ્ય અધિકારી કારોલીયા સહિત આરોગ્ય તેમજ અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.