તાજેતરમાં મોરબી જિલ્લામાં ૧૯૬૨- કરુણા હેલ્પલાઈન એમ્બ્યુલન્સે તેમની સેવાના ૭ વર્ષ પૂર્ણ કર્યા છે. સાત વર્ષ દરમિયાન મોરબી જિલ્લામાં ૧૩,૮૨૧ મુંગા જીવોને નવજીવન આપવામાં આવ્યું છે. જેના માટે કરુણા એમ્બ્યુલન્સ ટીમ દિવસ રાત મહેનત કરે છે…
મોરબી જિલ્લામાં બિનવારસુ, દિવ્યાંગ, નબળા પશુઓની મદદ માટે ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન નિ:શુલ્ક કાર્યરત છે. ત્યારે મોરબીમાં કાર્યરત ૧૯૬૨ કરુણા હેલ્પલાઇન એમ્બ્યુલન્સને સાત વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે છેલ્લા ૨ વર્ષમાં ૪૮૨૦ શ્વાન, ૧૩૫૦ ગાય, ૫૨૬ બિલાડી, ૧૮૫ કબૂતર, ચકલી, પોપટ, બકરા, કાગડા, સસલાં, ઊંટ વગેરે મળીને કુલ ૮,૫૪૬ પશુ- પંખીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે. કરુણા એમ્બ્યુલન્સ ટીમ તાલીમબદ્ધ કર્મચારીઓ, દવા, સાધનો અને લેબોરેટરીની સુવિધા સાથે કાર્યરત છે.
આ ટીમમાં ૧ વેટરનરી ઓફિસર અને ૧ પાયલોટ હાજર રહે છે. જ્યાં પણ બિનવારસુ મુંગા જીવોને જરૂર હોય કે ઘાયલ હોય ત્યાં આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાથી તાત્કાલિક મદદે પહોચી જાય છે. તેમજ જો જરૂર જણાય તો સ્થળ પર જ પશુની તાત્કાલિક સર્જરી કરવામાં આવે છે. જે કરુણા હેલ્પલાઇન એમ્બ્યુલન્સે ૭ વર્ષમાં ૧૩,૮૨૧ પશુઓને નવજીવન આપ્યું છે. ત્યારે નિ:શુલ્ક સેવાનો મોરબીવાસીઓને લાભ મેળવવા માટે પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જૈમિન પાટિલ, મોરબી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.