હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે નર્મદા યોજનાના એર વાલ્વ ઉભો કરવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ત્યાં બે શખ્સોએ આવી ખાનગી કંપનીના ઇજનેરને કામ બંધ કરી દેવાનું કહી લમધારી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે હાલમાં નર્મદા યોજનાની પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એલ એન્ડ ટી કંપનીના ઈજનેર ઇજાજભાઇ અહમદભાઇ મલીક નામના કર્મચારીને મહેન્દ્રભાઇ ઉર્ફે કાળુભાઇ રણછોડભાઇ પટેલના ખેતરની બાજુના ખેતરમાં નર્મદા નિગમે સંપાદન કરેલ જમીનમા એર વાલ્વ ઉભો કરવાની કામગીરી કરી રહ્યા હતા આ તકે મહેન્દ્રભાઇ ઉર્ફે કાળુભાઇ રણછોડભાઇ પટેલ તથા ભરતભાઇ નામનો શખ્સ ત્યાં ઘસી આવ્યા હતા અને કામ બંધ કરી દેવાની ધમકી આપી હતી, વધુમાં વેલ્ડીંગનો સામાન ઉપાડ્યો તો જાનથી મારી નાંખસુ તેવી ધમકી આપી મૂંઢ માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જેથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદને પગલે આગળની તાપસ હાથ ધરી છે.