મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન શહેરમાંથી ૨,૦૨૫ રખડતાં પશુઓ પકડવામાં આવ્યા છે. સાથે જ પશુ માલિકો અને પેટડોગ માલિકોને લાયસન્સ તથા રજીસ્ટ્રેશન આપવામાં આવ્યા છે.
મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ ૨૦૨૫થી તા.૨૩ ડિસેમ્બર ૨૦૨૫ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતાં કુલ ૨,૦૨૫ પશુઓ પકડીને નજીકની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન શાખા દ્વારા ૧૭૮ પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે તેમજ ૧૮ લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપવામાં આવી છે. ઉપરાંત ૩૧ નાગરિકોના પેટડોગ રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. પશુઓની ઓળખ અને નિયંત્રણ માટે કુલ ૧૩૫ પશુપાલકોના ૮૩૫ પશુઓનું RFID તથા ટેગિંગ કરવામાં આવ્યું છે અને આ કામગીરી હજુ ચાલુ છે. આ સાથે મહાનગરપાલિકા દ્વારા તમામ પશુ માલિકો અને પેટડોગ માલિકોને પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવાની અપીલ કરવામાં આવી છે.









