મોરબી જિલ્લાના 29 આંગણવાડી કર્મચારીને ગ્રેચ્યુઇટી અંતર્ગત આજરોજ ચેક અર્પણ કરવામાં આવ્યા સંગઠનની વર્ષો સુધી કાનુની લડાઈ બાદ તરફેણમાં ચુકાદો આવ્યો જેનો રાજ્ય અને દેશની હજારો મહિલા કર્મચારીને ફાયદો થયો.
ટંકારા તાલુકાના 18 આંગણવાડી કર્મચારી સહિત મોરબીના કુલ 29 બહેનોને ગ્રેચ્યુઇટી અંતર્ગત ચેક ફાળવવામાં આવ્યા, ધણા વર્ષો સુધી કોર્ટમાં ન્યાય માટે લડત આપ્યા બાદ એક વર્ષ પહેલા 25 – 4 – 2022 ના સુપ્રીમ કોર્ટે આંગણવાડીના ગ્રેચ્યુઇટી અંગેનો ચુકાદો કર્મચારીઓ તરફેણમાં સંભળાવયો હતો. ત્યારબાદ ચાલુ વર્ષે સંયુક્ત નિયામક આઈ. સી. ડી. એસ મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર દ્વારા સ્મૃતિપત્ર-1 દ્વારા તમામ લાગતા વળગતા જીલ્લા અને મહાનગરોના અધિકારીને આ ચુકાદાની અમલવારી કરવા જણાવ્યું હતું. જે અન્વયે ચુકાદાના 11 મહીના પછી આજે 12 એપ્રિલ 2023 ના મોરબી જીલ્લાના 29 આંગણવાડી કર્મચારીઓને ગ્રેચ્યુઇટીના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
ગ્રેચ્યુઇટી એટલેકે કર્મચારીઓના હિતોની સુરક્ષા માટે વર્ષ 1972માં ‘ગ્રેચ્યુઇટી પેમેન્ટ એક્ટ’ લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ, ખાણકામ ક્ષેત્ર, કારખાનાઓ, ઓઇલ ફીલ્ડ, વન વિસ્તારો, કંપનીઓ અને બંદરો જ્યાં 10 અથવા તેથી વધુ કર્મચારીઓ કાર્યરત હોય એવા અન્ય તમામ ક્ષેત્રોમાં કાર્યરત કર્મચારીઓને આવરી લેવામાં આવે છે. ગ્રેચ્યુઇટી અને પ્રોવિડન્ટ સંપૂર્ણપણે અલગ છે. ગ્રેચ્યુઇટીમાં સંપૂર્ણ નાણાં એમ્પ્લોયર દ્વારા ચૂકવવામાં આવે છે, જ્યારે પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારી પાસેથી પણ થોડા પૈસા લેવામાં આવે છે.ગ્રેચ્યુઇટી એ રકમ હોય છે જે સંસ્થા અથવા એમ્પ્લોયર વતી કર્મચારીને ચૂકવવામાં આવે છે. પરંતુ આ માટે તેણે ઓછામાં ઓછા પાંચ વર્ષ નોકરી કરવી જરૂરી છે. સામાન્ય રીતે, જ્યારે કોઈ કર્મચારી નોકરી છોડી દે છે, નોકરીમાંથી તેને કાઢી મૂકવામાં આવે અથવા તેને નિવૃત્ત કરવામાં આવે ત્યારે તેને આ રકમ આપવામાં આવે છે.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી વર્કર તથા હેલ્પર બહેનો ને ગ્રેચ્યુટી એક્ટ તળે, નિવૃત્ત થાય, છુટા થાય, ત્યારે ગ્રેચ્યુઇટી ચૂકવવી જાઇએ તે પ્રકારના ગુજરાતના ૧૨ જિલ્લાની નિવૃત થયેલી બહેનોના કેસો આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર સમક્ષ રજૂ કર્યા હતા.પરંતુ આ બહેનોને નિવૃત્તિના લાભ ચૂકવવાને બદલે લેબર કમિશનરના હુકમની સામે ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત સરકારે કેસ દાખલ કર્યો હતો. જેમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શ્રી ઉપાધ્યાય દ્વારા આ બહેનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. પરંતુ ગુજરાત સરકારે આ ગુજરાત હાઈકોર્ટના હુકમને પડકારીને એલપીએ દાખલ કરી હતી અને તેમાં આંગણવાડી બહેનોની વિરુદ્ધનો ચુકાદો આવેલ હતો. ત્યારબાદ આ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અપીલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ના પ્રમુખ અરુણ મહેતા અને મહામંત્રી કૈલાસબેન રોહિતે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આ પિટિશનના ચાલી જતા, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન વતી સુપ્રીમ કોર્ટના વકીલો સુરેન્દ્રનાથ રાય, સુભાષચંદ્રનં અને એડવોકેટ પલોમી એ પૂર્ણ વિસ્તૃત દલીલો દ્વારા રજૂઆત કરતા સુપ્રીમ કોર્ટના નામદાર ન્યાયાધીશો જસ્ટિસ અજયકુમાર રસ્તોગી અને જસ્ટિસ અભય આકા દ્વારા એક વર્ષ પહેલાં ૨૫ એપ્રિલ 2022 ના રોજ આંગણવાડી બહેનો અને તરફેણમાં ઐતિહાસિક ચૂકાદો આપેલ જેમાં આંગણવાડી વર્કરો ને ગ્રેચ્યુઇટી માટે હકદાર હોવાનું ઠરાવેલ.