મોરબી જિલ્લામાં સતત ભારે વરસાદના પગલે મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમ 5 વર્ષ બાદ ઓવરફ્લો થયો છે. જેથી મચ્છુ 2 ડેમમાં 30 દરવાજા ખોલવામાં આવતા નદીનું જળસ્તર વધ્યું છે.
મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ -2 ડેમની અંદર પાણીની આવક સતત વધી રહી છે. ત્યારે મચ્છુ-2 ડેમના અગાઉ ચાર દરવાજાને ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જોકે પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે એક-એક કરી મચ્છુ 2 ડેમનાં 30 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી નદીનું જળસ્તર પણ વધ્યું છે. ત્યારે મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીમાં પુષ્કળ પાણીની આવક થતાં જળસપાટી વધી છે. છેલ્લે વર્ષ 2017 બાદ ફરી એક વખત મચ્છુ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. મચ્છુ નદી તરફ જતા રસ્તાને બંધ કરી દેવાયો છે. તેમજ મોટા 18 દરવાજા 15 ફૂટ અને નાના 12 દરવાજા 5 ફુટ ખોલવામાં આવ્યા છે. તેમજ ડેમમાંથી 2 લાખ 50 હજાર ક્યુસેક પાણી પ્રવાહથી પાણી છોડવામાં આવી રહ્યું છે.