માળીયા પોલીસે રીક્ષાનો પીછો કરતા રીક્ષા રેઢી મૂકીને ચાલક નાસી ગયો.
માળીયા(મી)માં દેશી-વિદેશી દારૂ પકડાવવાનો સીલસીલો યથાવત રહ્યો હતો. પ્રથમ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેઇડ કરી ટ્રકમાંથી વિદેશી દારૂ-બિયરનો જંગી જથ્થો પકડી લેવામાં આવ્યા બાદ મોડીરાત્રીના સ્થાનિક પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે ભીમસર ચોકડી નજીકથી સીએનજી રીક્ષામાંથી ૩૦૦ લીટર દેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા પીછો કરતા રીક્ષા ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો.
મળતી વિગતો મુજબ, માળીયા(મી) પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે હળવદ સાઈડથી દેશી દારૂ ભરીને એક સીએનજી રીક્ષા કચ્છ તરફ જવાની હોય ત્યારે મળેલ બાતમીને આધારે માળીયા(મી) પોલીસ ટીમ ભીમસર ચોકડી નજીક વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૩૬-ડબલ્યુ-૧૧૭૯ ત્યાંથી પસાર થતા તેને ઉભી રાખવા ઇશારો કરતા, રીક્ષાના ચાલકે પોતાનું વાહન ઉભું નહિ રાખી, રીક્ષા લઈને ભાગી ગયો હતો, ત્યારે માળીયા પોલીસ ટીમ દ્વારા રીક્ષાનો પીછો કરતા, ચાલક અંધારાનો લાભ લઈને રીક્ષા રેઢી મૂકીને નાસી ગયો હતો.
ઉપરોક્ત સીએનજી રીક્ષાની તલાસી લેતા તેમાંથી ૩૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ. ૬૦,૦૦૦/- મળી આવ્યો હતો. આ સાથે પોલીસે દારૂ તથા રીક્ષા સહિત કુલ રૂ.૧,૬૦,૦૦૦/;નો મુદ્દામાલ કબ્જે લઈ નાસી છુટેલ રીક્ષા ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









