શ્રી મોરબી પાંજરાપોળની ૧૨૦૦ વિઘા જમીનમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થતિમાં વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન
મોરબીમાં બનશે નમો વન; રાજ્ય સરકાર અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી ૧.૫ લાખ વૃક્ષો ઉછેરાશે.
મોરબીમાં રફાળેશ્વર નજીક શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની ભૂમિ પર એક પેડ માઁ કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત એકસાથે અંદાજિત ૩૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી સહિત મહાનુભાવો અને જીલ્લાવાસીઓએ મળી અંદાજિત ૩૫૦૦ જેટલા લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સૌના સહિયારા પ્રયાસથી આ કાર્ય શક્ય બન્યું છે. મોરબી એક એવું સ્થળ છે જ્યાં નાના એવા ભૌગોલિક વિસ્તારમાં ૩ હજારથી વધુ કારખાનાઓ આવેલા છે, જેથી આ જગ્યાએ વન અને વૃક્ષોની જરૂરિયાત સવિશેષ છે. ત્યારે વિશેષ પ્રમાણમાં વૃક્ષારોપણ કરી ઉદ્યોગનગરી મોરબી વૃક્ષનગરી બને તે માટે મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, સરકાર, સંસ્થાઓ, ઉદ્યોગો તેમજ લોકો સાથે મળી સહિયારા પ્રયાસ કરે તે જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબીમાં વિશેષ પ્રમાણમાં વૃક્ષારોપણ સાથે મોરબી જીલ્લાવાસીઓને હરવા ફરવા માટેનું વિશેષ સ્થળ બને તે માટેના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના સંકલ્પને આજે આપણે સાકાર કરવા જઈ રહ્યા છીએ. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે તેમણે કાર્યમાં સહભાગી સૌનો આભાર માન્યો હતો તથા અભિનંદન પણ પાઠવ્યા હતા.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, એકસાથે ૩૫૦૦ વૃક્ષોનું વાવેતર કરી આપણે સૌ ગુજરાતમાં ઇતિહાસનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી પ્રકૃતિ સાથે આનંદ પ્રમોદ કરવા વિશેષ સ્થળનું મોરબીમાં નિર્માણ થવા જઈ રહ્યું છે જે ખૂબ આનંદની વાત છે. આ તકે મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, પાંજરાપોળ ખાતે ૧૨૦૦ વીઘા જમીન પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સ્થળને પ્રવાસનના સ્થળ તરીકે વિકસાવવા આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર વિવિધ આયોજનો હાથ ધરવામાં આવશે. વધુમાં મોરબી જીલ્લાનો એક પણ રોડ વૃક્ષ વિનાનો ન રહે તે માટે સૌને આહવાહન પણ કર્યું હતું.
ગુજરાત રાજ્યના વન વિભાગના PCCF અને HOFF એ.પી. સિંઘએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે એક પેડ માઁ કે નામ અભિયાનમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે રહ્યું છે. વન વિભાગના જીવન G-૨ મોડેલ હેઠળ મોરબીમાં આ પાંજરાપોળના વિસ્તારને સાંકળી લેવામાં આવશે અને ત્યાં લાંબા આયુષ્ય ધરાવતા દેશી વૃક્ષોનું વાવેતર કરતા આ વિસ્તાર વધુ રળિયામણો બનશે. આ પ્રસંગે મંત્રી સહિત મહાનુભાવોએ વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરી આ વિસ્તારને હરિયાળુ બનાવવાના કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પર્યાવરણ ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરનાર જીલ્લાના પર્યાવરણવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
પાંજરાપોળના આ વિસ્તારમાં રાજ્ય સરકાર તથા સદભાવના ટ્રસ્ટના સહયોગથી આમળો, શીરસ, કરંજ, કણજી, ઉમરો, બોરસલી, કંચનાર, બિલ્લી, કટગુંદી, બેહડા, ખેર સહિત સ્થાનિક વૃક્ષો તેમજ વડ, પીપળો, લીમડો જેવા વૃક્ષો મળી ૪૦ થી ૫૦ પ્રજાતિના લાંબુ આયુષ્ય ધરાવતા ૫ થી ૬ ફૂટના દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોરા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ગુજરાત રાજ્ય સામાજિક વનીકરણ PCCF આર.કે. સુગુર, મોરબી નાયબ વન સંરક્ષક સુનિલ બેરવાલ, સુરેન્દ્રનગર નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, અગ્રણી પંકજભાઈ મોદી, મોરબી પાંજરાપોળના પ્રમુખ વેલજીભાઈ ઉઘરેજા, સદભાવના ટ્રસ્ટના અગ્રણી વિજયભાઈ ડોબરીયા, સંત મહંત સર્વ કનકેશ્વરીદેવીજી, ભાણદેવજી મહારાજ, અમરગીરી બાપુ, જીલ્લાના આગેવાનો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યકરો, વિવિધ ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો, વિદ્યાર્થીઓ, વન વિભાગના કર્મચારીઓ બહોળી સંખ્યામાં આ વૃક્ષારોપણ કાર્યમાં જોડાયા હતા.