મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે રવાપર રોડથી લાતી પ્લોટ સુધી કારનો ફિલ્મી ઢબે પીછો કરી ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો, જ્યારે કાર ચાલક અંધારાનો લાભ લઈ કાર રેઢી મૂકીને નાસી ગયો હતો. હાલ પોલીસે પકડાયેલ કારના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી શહેરમાં ગેરકાયદે દારૂની હેરાફેરી સામે એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે કાર્યવાહી કરતાં ફિલ્મી ઢબે કારનો પીછો કરી મોટો દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો. જેમાં ગત રાત્રીના એલસીબી/પેરોલ સ્ક્વોડ ટીમ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય, આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સફેદ રંગની સ્વીફ્ટ કાર નં. જીજે-૨૭-ઈબી-૩૪૬૦માં મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો લઈને રવાપર રોડ તરફથી કાલિકા પ્લોટ તરફ આવનાર છે. જેથી પોલીસે રવાપર રોડ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે રાત્રે આશરે ૧૧:૫૦ વાગ્યે શંકાસ્પદ કાર દેખાતાં પોલીસ દ્વારા તેને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો હતો, પરંતુ કાર ચાલકે ગાડી ફુલ સ્પીડમાં દોડાવી કાર આગળ ચલાવી મૂકી હતી. જેથી પોલીસ ટીમે રવાપર રોડથી લાતી પ્લોટ વિસ્તાર સુધી પીછો કરી લાતી પ્લોટ શેરી નં. ૨૨ પાસે આવેલી ગલીમાં કારને ઉભી જોવા મળી. કાર ચાલક ગાડી મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પકડાયેલ કારની અંદર તલાસી લેતા, કારમાંથી કુલ ૧૬ પ્લાસ્ટિકના બાચકામાં ૪૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૮૦ હજાર મળી આવ્યો હતો. આ સાથે પોલીસે દેશી દારૂ તથા સ્વીફ્ટ કાર સહિત ૫.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ, સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરાર કાર ચાલક વિરુદ્ધ પ્રોહિ એક્ટ મુજબ ગુનો નોંધાવી, ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.









