Monday, November 18, 2024
HomeGujaratમચ્છુ જળ હોનારતના ૪૪ વર્ષ : આજે પણ હોનારતની તસવીરો જોઈને મોરબીવાસીઓનું...

મચ્છુ જળ હોનારતના ૪૪ વર્ષ : આજે પણ હોનારતની તસવીરો જોઈને મોરબીવાસીઓનું હૈયું હચમચી ઉઠે છે !

મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળા ઇતિહાસ તરીકે ઓળખાતી ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ની મરછુ જળપ્રલય દુર્ઘટનાની આજે વરસી છે. મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ લીલા વેરનાર મચ્છુની એ ઘટનાને આજે ૪૪ વર્ષ પૂર્ણ થયા છે. તેમ છતાં જયારે પણ તે દિવસને યાદ કર્યે જયારે ‘મોરબી મસાણ થઈ’ હતી. ત્યારે ધ્રુજી ઉઠાય છે.

- Advertisement -
- Advertisement -

વિશ્વની મોટી જળહોનારતોમાં જેની ગણના થાય છે તેવી મોરબીની મચ્છું જળહોનારતની આજે ૪૪મી વરસી છે. ૧૧ ઓગસ્ટ,૧૯૭૯ નો દિવસ ભયાનક, ગોઝારો અને સમગ્ર ગુજરાત અને મોરબીવાસીઓ જેને કદી નહી ભૂલી શકે તેવો પ્રલયકારી હતો. આ દિવસે મચ્છુ-૨ ડેમના પાણી પોતાની મર્યાદા ઓળંગી મોતની તબાહી બની સમગ્ર મોરબી પર ક્રૂર રીતે ત્રાટક્યા. સૌરાષ્ટ્રના પેરીસ તરીકે ઓળખાતી મયૂર નગરીને એક ઝાટકે તહસ નહસ કરી નાખી હતી અને હજારો માસૂમ જિંદગીઓને એ પૂરે પોતાના વહેણમાં સમાવી મોરબીને ભયાનક સ્મશાનમાં ફેરવી નાખ્યું હતું. મોરબીની સાથે સાથે આજુબાજુના ગામડાઓ પણ જાણે કે સ્મશાન બની ગયા હતા. મોરબીના ઈતિહાસમાં સૌથી કરુણ કહી શકાય તે ઘટનાની ભયાનકતા અને તબાહીનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. મુશળધાર વરસાદના આ દિવસે બપોરે આશરે ૩.૩૦ કલાકે મચ્છુ-૨ ડેમના પાળા તોડી મચ્છુનું પાણી મોત બનીને મોરબી પર ત્રાટક્યું અને જોત જોતામાં મોરબીને કબ્રસ્તાનમાં ફેરવી નાખ્યું હતું. મચ્છુના ૩૦-૩૦ ફૂટ ઊંચા પાણીના મોજા આવ્યાં. આખા શહેરમાં પાણી પ્રસરી ગયાં. જોત જોતામાં તો મચ્છુના આ પૂરે એક વિનાશક રૂપ ધારણ કરીને આખું મોરબી શહેર તબાહ કરી નાખ્યું. પૂર બાદ આખા શહેરમાં ઠેર ઠેર પડેલા સેંકડો મૃતદેહો જોવા મળતા હતાં. વીજળીના થાંભલાઓ અને એના તાર ઉપર લટકતી માનવ અને પશુઓની લાશો એ પૂરની ભયાનકતા અને વિનાશને દર્શાવતા હતાં. જ્યાં જુઓ ત્યા બસ હજારો માનવ અને જાનવરોના કોહવાઇ ગયેલા મૃતદેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો અને કાટમાળ જોવા મળતો હતો. પોતાના સ્વજનોને શોધતા તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબીવાસીઓ કુદરતના આ પ્રકોપ આગળ નિઃસહાય બની ગયા હતા.

ગુજરાતના ઈતિહાસની સૌથી વિનાશકારી આ ઘટનાએ મહાવિનાશ સર્જ્યા બાદ શરૂ થયો માનવતાનો અદભુત કહી શકાય તેવો મહા અધ્યાય. ગુજરાતના તત્કાલિન મૂખ્યમંત્રી બાબુભાઇ જશભાઇ પટેલ હોનારતથી કાદવકીચડ અને મડદાથી છવાયેલા મોરબીમાં એક મહિના સુધી પોતાના આખા સચિવાલય સાથે પહોંચી ગયાં. એવું કહેવાય છે કે એ વખતે આખુ રાજ્ય મોરબીથી સંચાલિત થતું હતું. મોરબી નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ રતિલાલભાઇ દેસાઇ તેમના પંદર વર્ષના દીકરાના મૃત્‍યુના વિલાપની સાથે સાથે શહેરના પુનરૂત્‍થાન ઉપર દેખરેખ રાખવાની કામગીરી પણ કરતા હતાં. મોરબી મિલિટરીને સોંપી દેવાયું હતું અને સાંજ પછી ગામમાં પ્રવેશ મળતો ન હોતો. મોરબીવાસીઓને એસ.ટી.માં મફત રાજકોટ આવવા-જવાની છુટ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, રણછોડદાસજી આશ્રમ જેવી અઢળક સંસ્થાઓએ અને સામાન્ય માનવીએ પણ મન મૂકીને મદદ કરી હતી. મોરબીના પૂર અસરગ્રસ્તો માટે સમગ્ર ગુજરાતમાંથી સંવેદનાના સાગર છલકાયા અને કદી બેઠું ન થઇ શકે તેવું મોરબી શહેર આટલી મોટી હોનારત બાદ પણ ખુમારીથી બેઠું થઇ ગયું અને શરૂ થયો વિકાસનો તબક્કો જે આજે મોરબીને વિશ્વના નકશા પર પોતાનું અલગ સ્થાન અપાવવા સુધી પહોંચી ગયો છે.

મોરબી હોનારત થવાના કારણોની ચર્ચા કરીએ તો સૌ પ્રથમ મોરબીના મહારાજાએ ૧૯૨૮માં ડેમ બાંધવાની વિચારણા કરી હતી. પરંતુ તે વખતે તત્કાલિન હાઈડ્રો એન્જીનીયર વિશ્વૈશ્વરૈયાએ મહારાજાને ચેતવ્યા હતા કે સૂચીત જગ્યાએ બંધાનારો ડેમ મોરબી માટે આશીર્વાદરૂપ નહી પરંતુ મોરબીના વિનાશનું કારણ બનશે. આથી સલાહ બાદ મહારાજાએ આ યોજના પડતી મુકી હતી. ગુજરાતની રચના બાદ ગુજરાત સરકારે જ્યારે આ ડેમ બાંધવાનુ નક્કી કર્યુ ત્યારે વર્ષો પહેલાની ચેતવણી તો ભુલાઈ જ ગઈ હતી પરંતુ કેન્દ્ર સરકારે સૂચવેલી કેટલીક ટેકનીકલ બાબતોને પણ અવગણવામાં આવી હતી. મોરબી અને આજુબાજુના ગામડાઓની પ્રજાને ડેમ તુટવાની શક્યતાઓ અંગે સમયસર ચેતવણી પણ મળી નહોતી. તેના કારણે હોનારતમાં મરનારાઓની સંખ્યા વધી ગઈ હતી. ટેલીફોન તથા તારની સુવિધાઓ બગડી ગઈ હોવાથી ડેમ સાઈટ પર ફરજ બજાવતા કર્મચારીઓ માટે ચેતવણી આપવાનુ મુશ્કેલ બની ગયુ હતુ. કારણો ગમે તે હોય જે બન્યું એ ન બનવાનું બનેલું. આજે પણ આ સમગ્ર ઘટના યાદ કરતાં પણ કમકમાટી આવી જાય છે. આપણે સૌ પણ એ ગોઝારી ઘટનાના નામી-અનામી તમામ દિવાંગતોને શ્રદ્ધાંજલિ અર્પીએ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!