આગામી ૧૧ ઓગસ્ટના દિવસે ૪૪ વર્ષ પૂરા થશે મોરબીના ગોઝારા મચ્છુ જળ હોનારતને. જયારે મચ્છુ-૨ ડેમ તુટયો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું. એવી હોનારત કે જેને ૪૪-૪૪ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી. ભયાવહ હોનારતમાં સરકારે ૨,૦૦૦ જેટલા લોકોનાં મોતનો અંદાજ લગાવ્યો હતો, પણ સ્થાનિક લોકો કહેતા આવ્યા છે કે ૨૦,૦૦૦થી વધુ માનવીનો ભોગ મચ્છુનાં ધસમસતા પાણીએ ભોગ લીધો હતો. તે “મચ્છુ જળ હોનારત દિન” નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા મૌન રેલી યોજાશે.
મળતી માહિતી અનુસાર, મોરબી નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી ૧૧/૦૮/૨૦૨૩ ના રોજ “મચ્છુ જળ હોનારત દિન” હોય તે નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા બપોરે ૦૩:૧૫ કલાકે નગરપાલિકા કચેરીથી મૌનરેલી નીકળી મૃતાત્માઓના સ્મૃતી સ્તંભ મણી મંદિર ખાતે બપોરે ૦૩:૩૦ કલાકે પહોચશે અને ત્યા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં નગરપાલિકા દ્વારા તથા મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરી બે મીનીટનું મૌન પાળવામાં આવશે.જેથી સમગ્ર મોરબીવાસીઓને મૌન રેલીમાં જોડાવા નમ્ર અપીલ કરવામાં આવી છે.