ગૌરક્ષકો દ્વારા બોલેરો ગાડીનો પીછો કરતા વાહન રેઢું મૂકી ચાલક નાસી ગયો
હળવદના કડીયાણા ગામના ગૌરક્ષકો દ્વારા પૂર્વ બાતમીને આધારે ચુપણી ગામથી માણેકવાડા ગામ તરફ જતા રસ્તેથી બોલેરો પીકઅપ વાહનમાં ક્રૂરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જવાતા ૫ પાડાને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે વિચમાં રહેલા ગૌરક્ષકો દ્વારા બોલેરો વાહન ઉભું રાખવાનો પ્રયાસ કરતા બોલેરો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપરથી આગળ લાઇ જઈ વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો. ત્યારે હળવદ પોલીસ મથકમાં બોલેરો ચાલક તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણા અટકાવવા અધિનિયમ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના કડીયાણા ગામના રહેવાસી એવા ખેડૂત અને ગૌરક્ષક વિશાલભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી ઉવ.૩૫એ હળવદ પોલીસ મથકમાં બોલેરો રજી.નં. જીજે-૩૬-વી-૬૨૬૦ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈકાલ તા.૦૮/૦૮ના રોજ વિશાલભાઈને તેના મિત્ર દ્વારા ખાનગીરાહે બાતમી આપી કે હળવદના ચુપણી ગામ નજીકથી ઉપરોક્ત રજી. નં.ની બોલેરો ગાડીમાં ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને કતલખાને લઈ જવાના હોય જે બાતમીને આધારે વિશાલભાઈ, દેવાભાઈ ગેલાભાઈ સભાડ, સુરેશભાઈ વજેકરણભાઈ સભાડ તથા ગોપાલભાઈ રમુભાઈ ભરવાડ સહિતના ગૌરક્ષકો ચુપણી ગામે વોચમાં હોય તે દરમિયાન ત્યાંથી બોલેરો ગાડી પસાર થતા તેને રોકવા પ્રયાસ કરતા બોલેરો ચાલક પોતાનું વાહન ચુપણી ગામથી માણેકવાડા ગામ જવના રસ્તે ભગાડી મુકતા વિશાલભાઈ તથા તેની સાથેના ગૌરક્ષકો દ્વારા તેનો પીછો કરતા બોલેરો ચાલક પોતાનું વાહન આગળ રસ્તે રેઢું મૂકીને નાસી ગયો હતો.
ત્યારે ઉપરોક્ત બોલેરોના પાછળના ભાગે તલાસી લેતા અત્યંત ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ૫ પાડાને બાંધી તથા તેના માટે પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવે તે રીતે કતલખાને લઈ જવાતા હોય તેમ મળી આવતા તુરંત બોલેરો હળવદ પોલીસ મથકમાં લઈ જવામાં આવેલ જ્યાં વિશાલભાઈ દ્વારા વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.