ટ્રક ખસેડવા બાબતના વિવાદ બાદ શોરૂમમાં ઘૂસી મારામારી, અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી, કાયદો વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર સામે અનેક સવાલ
મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલ સ્ટીલ ફર્નિચરના શો રૂમ પાસે ટ્રક ખસેડવાની બાબતે લિસ્ટેડ આરોપી સહિત ૬ શખ્સોએ ધોળા દિવસે આતંક મચાવ્યો હતો. આરોપીઓએ રિવોલ્વર બતાવી વેપારી અને તેના ભાઈને ધમકાવી સીસીટીવીનું ડીવીઆર લૂંટી લીધું હતું. બનાવને લઈને શહેરમાં કાયદો વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
મોરબી શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. કંડલા બાયપાસ રોડ પર દેશી ડાયરા હોટલ પાસે આવેલ ઉમા સ્ટીલ ફર્નિચરના શો રૂમ આગળ ટ્રક ખસેડવાની નાની બાબતે લિસ્ટેડ આરોપી સહિત ૬ જેટલા શખ્સોએ ધોળા દિવસે આતંક મચાવ્યો હતો. આ બનાવ બાદ શહેરમાં પોલીસની કામગીરી અને ગુનેગારો પર નિયંત્રણ અંગે અનેક સવાલો ઊભા થયા છે. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ શો રૂમના માલિક ઉમેશભાઈ ત્રિભોવનભાઈ મેરજા ઉવ.૩૬ રહે. બ્લોક નં. ૬૦૧, સાતનામ હાઈટ્સ કંડલા બાયપાસ મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રણજીતભાઇ જેસીંગભાઇ ચાવડા રહે.મીરાપાર્ક સોસાયટી શેરી નં-૦૨ વાવડી રોડ મોરબી, દીનેશભાઇ ગગુભાઇ મકવાણા રહે. ધર્મસૃષ્ટિ સોસાયટી ભક્તિનગર ઓવર બ્રીજ પાસે મોરબી તથા અજાણ્યા ચાર ઇસમો સહિત ૬ જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તા. ૧૨/૦૩ના રોજ બપોરે અંદાજે દોઢ વાગ્યે આરોપી રણજીતભાઈ જેસીંગભાઈ ચાવડા શો રૂમ પાસે ઉભેલા ટ્રકને દૂર ખસેડવા બાબતે ફરિયાદીના ભાઈ ચિરાગ સાથે બોલાચાલી કરી મારામારી કરી હતી. ત્યારબાદ તેણે પોતાના સાથીદારોને બોલાવતાં આરોપી દિનેશભાઈ ગગુભાઈ મકવાણા ફોર્ચ્યુનર કારમાં ધોકા અને પાઈપ લઈને અન્ય અજાણ્યા ચાર શખ્સો સાથે ત્યાં પહોંચી ગયા હતા. આરોપીઓએ શો રૂમમાં ઘૂસી તોડફોડ કરી હતી. આરોપી રણજીતભાઈએ શો રૂમમાં લગાવેલું સીસીટીવીનું ડીવીઆર તોડી બળજબરીપૂર્વક લઈ જતાં લૂંટ ચલાવી હતી. આ દરમિયાન આરોપીએ પોતાની પાસે રહેલી ગ્રે કલરની પિસ્તોલ જેવુ હથિયાર બતાવી વેપારી અને તેના ભાઈનું અપહરણ કરવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ, જી.પી. એક્ટ તથા આર્મ્સ એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









