વાંકાનેરના વઘાસીયા ગામમાં ખેડૂતના જૂના મકાનની ઓસરીમાંથી અજાણ્યા ઈસમે અંદાજે ૧૫૨ મણ જેટલા જીરૂની ચોરી કરી હોવાના બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે, જેમાં જીરૂ ભરેલ ૬૦ બાચકા જેની કુલ કિંમત રૂ. ૪.૭૧ લાખ, જે કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરીને લઈ ગયા હોય, હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર ટાઉનમાં આવેલ આસીયાના સોસાયટીમાં રહેતા મૂળ વઘાસીયા ગામના વતની હબીબભાઈ વલીભાઈ માથકીયા ઉવ.૭૨ વાળાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જે ફરીયાદ અનુસાર, તેમના વઘાસીયા ગામ સ્થિત જૂના મકાનની ઓસરીમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમે પ્લાસ્ટિકના બાચકા નંગ-૬૦ માં ભરેલ અંદાજે ૧૫૨ મણ જેટલા જીરૂની ચોરી કરી હતી. ચોરી થયેલા જીરૂની અંદાજિત કિંમત રૂપિયા ૪,૭૧,૨૦૦/- જેટલી થાય છે, આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી, આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.