વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ વાડીમાં રેઇડ કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૬૪ નંગ બોટલ સાથે વાડી-માલીકની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે આ ગોરખધંધામાં ભાગીદાર એવા બે શખ્સો દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા, તે બન્નેને ફરાર દર્શાવી વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન, ખાનગીરાહે બાતમી મળેલ કે, અગાભી પીપળીયા ગામે રહેતા ઓમદેવસિંહ ઉર્ફે ઉપાભાઈ ગણપતસિંહ જાડેજા ઉવ.૩૨ ગામની કડા તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાની વાડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમીને આધારે પોલીસે રેઇડ કરી હતી, જ્યાં પોલીસે વાડીમાં બનાવેલ બગીચામાં તપાસ કરતા પ્લાસ્ટિકના બાચકામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૬૪ બોટલ કિ.રૂ.૮૩,૨૦૦/- મળી આવી હતી. જેથી વાડી-માલીક ઓમદેવસિંહ ઉર્ફે ઉપાભાઈની સ્થળ ઉપરથી અટક કરી હતી.
જ્યારે પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં આ વિદેશી દારૂ આગાભી પીપળીયા ગામના જ આરોપી પ્રકાશભાઈ રાજેશભાઇ ઉકેડીયા અને પરવેઝભાઈ અશરફભાઈ કાદરી સાથે ભાગીદારીમાં વેચાણ કરતા હોય અને આ વિદેશી દારૂ આરોપી પ્રકાશભાઈ ઉકેડીયાએ મંગાવ્યો હોવાની કબૂલાત આપતા વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.