29 મનોદિવ્યાંગ બાળકો આજે ગરબે રમશે, તેમની માતાઓનું વિશેષ સન્માન પણ કરાશે : દીકરીઓ કરાટેના ખાસ દાવ પણ રજૂ કરશે
મોરબી : મોરબીમાં સેવા કાર્યોમાં સદાય અગ્રેસર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે આયોજીત સંકલ્પ નવરાત્રી મહોત્સવ ધાર્મિકની સાથે સામાજિક મહોત્સવ પણ બની રહ્યો છે. આ મહોત્સવમાં ગઈકાલે ત્રીજા નોરતે વિકાસ વિદ્યાલયની બાળાઓને ખાસ આમંત્રિત કરાઈ હતી. આ બાળાઓ મન મૂકી ગરબે ઘૂમી હતી.
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં બહેનોને નિઃશુલ્ક એન્ટ્રી છે. છેલ્લા ત્રણ દિવસથી અહીં ખ્યાતનામ કલાકારોના સુરે ખેલૈયાઓ આનંદથી ગરબે રમી રહ્યા છે. ગઈકાલે ત્રીજા નોરતે આ મહોત્સવમાં વિકાસ વિદ્યાલયની 70 બાળાઓને બોલાવવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ બાળાઓને તેડવા-મુકવા જવા વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ દીકરીઓએ હરખભેર ગરબા લીધા હતા. બાદમાં તમામ દીકરીઓ માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વધૂમાં આજે ચોથા નોરતે નવરાત્રી મહોત્સવમાં 29 દિવ્યાંગ બાળકો અને તેની માતાઓ ગરબે ઘુમવાના છે. આ વેળાએ માતાઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે. સાથે આજે રાત્રીના એ-વન સ્પોર્ટ્સ એકેડમીની 10 દીકરીઓ કરાટેના વિવિધ દાવ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરશે.
આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે સંકલ્પ નવરાત્રી મોરબીની સંસ્કૃતિ, સમરસતા અને એકતાનું પ્રતિક છે. જે લોકો નવરાત્રી મહોત્સવને માણી શકવા સમર્થ નથી તેઓને અહીં આમંત્રિત કરીને બોલાવી માતાજીની આરાધનાના આ પર્વમાં સહભાગી બનાવવામાં આવે છે. જેથી આ નવરાત્રી મહોત્સવ આજે માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સમાજમાં સમરસતા, એકતા અને સાંસ્કૃતિક જતનનું સશક્ત મંચ બની ગયો છે. આ નવરાત્રી મહોત્સવનું મુખ્ય ધ્યેય માતા જગદંબાની આરાધના સાથે સમાજના દરેક વર્ગને જોડીને સાચા અર્થમાં એકતા અને ભાઈચારો સ્થાપવાનો છે.
નિયમિત રક્તદાન કરતા મહિલા રક્તદાતાઓનું કરાયું બહુમાન
સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં નિયમિત રક્તદાન કરતા મહિલા રક્તદાતાઓનું બહુમાન કરાયું હતું. જેમાં છેલ્લા 15 વર્ષથી દર ત્રણ મહિને રક્તદાન કરતા રૂપલબેન શાહ, છેલ્લા 10 વર્ષથી દર ત્રણ મહિને રક્તદાન કરતા જિજ્ઞાબેન પરમાર અને છેલ્લા 2 વર્ષથી દર છ મહિને રક્તદાન કરતા નિષાબેન પરમારનું સન્માન કરાયું હતું.